યોજનાના પહેલા અને બીજા તબક્કામાં કુલ રૂ.૭.૫૬ કરોડના ખર્ચે આ આવાસોનું નિર્માણ થશે; ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો
સાવરકુંડલા શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર આપવાના હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૧૬૧ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂ.૭.૫૬ કરોડની માતબર રકમ મંજૂર કરી છે. આ યોજનાના પહેલા તબક્કામાં ૧૦૫ આવાસ અને બીજા તબક્કામાં ૫૬ આવાસ, એમ કુલ ૧૬૧ આવાસોનું નિર્માણ થશે. આ નિર્ણયથી અનેક પરિવારોના જીવનધોરણમાં સુધારો થશે અને તેમને સુરક્ષિત આશ્રય મળશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને શહેરના ગરીબ પરિવારો માટે ઘરની સુવિધા પૂરી પાડી છે. આ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે કાર્યકારી તંત્ર સક્રિય બન્યું છે.