સાવરકુંડલા શહેરમાં વ્યાપેલી ગંદકીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને છેવાડાના વિસ્તારો સુધી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દિવાળી અને નવું વર્ષ જેવા તહેવારોમાં પણ શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. વાહન ચાલકોને આ ડમરીઓના કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને પાણી ભરેલા ખાબોચિયાઓ સામાન્ય બની ગયા છે. આ સ્થિતિમાં મહામારી ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોએ આ સમસ્યા અંગે ધારાસભ્યને રજૂઆતો કરેલ હતી અને તેમણે અધિકારીઓની મિટિંગ બોલાવી સ્વચ્છતા જળવાય અને શહેરનું વાતાવરણ સુંદર બને તે માટે કડક સૂચનો કર્યા હતા. પરંતુ અધિકારીઓએ આ સૂચનોને અવગણીને કોઈ પગલાં લીધા નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવી રહી છે છતાં શહેરની આ હાલત જોઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.