રામનવમીએ સાવરકુંડલા નગરી સાક્ષાત ‘અયોધ્યા’ ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ૧૯૭૨થી અવિરત ચાલતી પરંપરા મુજબ, આ વર્ષે પણ ‘શ્રીરામ જન્મોત્સવ સમિતિ’ દ્વારા આયોજિત શોભાયાત્રાએ ભવ્યતાના તમામ સીમાચિહ્નો અંકિત કર્યા હતા. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ શ્રીરામનો રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરોની ઝાંખીઓ રહી હતી. ઢોલ-નગારાના તાલે અને કેસરીયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા, ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્‌યું હતું. ગગનભેદી શંખનાદ અને ‘જય શ્રી રામ’ના ગુંજારવથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું. આ મહોત્સવની સૌથી દિવ્ય ક્ષણ ૫૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા સામુહિક હનુમાન ચાલીસાના પાઠ હતા. એકસાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમૂહગાન સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું.