સાવરકુંડલામાં ૨૩ લાખના ત્રણ વાહનો ભાડે લઈ પરત ન કરાતા વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. કમલેશભાઇ ગોલણભાઇ વાળા (ઉ.વ.૪૬)એ મહેન્દ્રભાઇ રામકુભાઇ વીંછીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૩ ના રોજ આરોપીએ ફરિયાદીના માલિકીના ત્રણ મોટા વાહનો જમીન લેવલિંગના કામ માટે ભાડા પેટે લીધા હતા. જમીન લેવલિંગનું કામ પૂર્ણ થયા બાદ ફરિયાદીએ આરોપી પાસેથી તેમના વાહનો અને બાકી રહેલું ભાડું પરત મેળવવા માટે વારંવાર માંગણી કરી હતી. જોકે, આરોપીએ ફરિયાદીના ત્રણેય વાહનો અને તેનું ભાડું પરત ન કરીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.જેથી તેણે આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિશ્વાસઘાત અને વાહનોની ગેરકાયદેસર ઉચાપત કરવા બદલ ગુનો નોંધીને, આ ત્રણેય વાહનો અને આરોપીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ એમ અગ્રાવત વધુ તપાસ કરી રહ્યા છે.







































