સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી જળસંચય અને જળસંકટ નિવારણ માટે મહત્વપૂર્ણ એવા સુકનરા ડેમને રૂ. ૧૦૯.૬૨ લાખના ખર્ચે ઊંડો ઉતારવાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે આજે સંપન્ન થયું હતું. આ યોજના અંતર્ગત ડેમમાંથી અંદાજે ૨૫,૦૦૦ મેટ્રિક ટન માટી ખોદકામ કરી ડેમને વધુ ઊંડો ઉતારવામાં આવશે. સુકનરા ડેમ સાવરકુંડલા વિસ્તારની ‘જીવાદોરી’ સમાન છે. ડેમ ઊંડો ઉતારવાનુ કાર્ય પૂર્ણ થયા બાદ તેની પાણી સંગ્રહ ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે, જેના કારણે પાણીનું સ્તર ઉપર આવશે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધુ મજબૂત બનશે. આ યોજના ખેડૂતો માટે ખેતીમાં સ્થિરતા, ઉત્પાદન વૃદ્ધિ અને આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સુકનરા ડેમમાં ભવિષ્યમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે તે માટે સૌની યોજના અંતર્ગત નર્મદા નદીના પાણીથી ડેમ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દિશામાં તાજેતરમાં જ રૂ.૧૪ કરોડના ખર્ચે સૌની યોજના પાઈપલાઈનના કાર્યનો આરંભ થયો છે. આ યોજના સાથે નાવલી નદીના પુનર્જીવન માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.