સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સાવરકુંડલામાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલાના રિદ્ધિ-સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે શિવ પ્રસન્નાર્થે ભવ્ય ‘લઘુરુદ્ર યજ્ઞ’ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. વહેલી સવારથી જ શિવાલયમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞની વિધિ શરૂ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય મહેશભાઈ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ અને શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહની આગેવાનીમાં મહાદેવની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી.








































