સાવરકુંડલા શહેરમાં ભાદરવી અમાસના પાવન પર્વની ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ દિવસને હિંદુ ધર્મમાં પૂર્વજોના તર્પણ અને દાન-પુણ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહેલી સવારથી જ લોકો શિવ મંદિરોમાં ઉમટી પડ્‌યા હતા. ભક્તોએ શિવલિંગ પર જલાભિષેક કરીને અને બિલીપત્ર ચડાવીને ભગવાન શિવની પૂજા કરી, જેમને
પિતૃઓના મુક્તિદાતા માનવામાં આવે છે. લોકોએ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને પિતૃતર્પણ કર્યું હતું. પીપળાના વૃક્ષની સામે દીવો પ્રગટાવીને જળ સિંચન કર્યું હતું. આ દિવસે રક્ષાબંધનના પર્વ પર બાંધેલી રાખડીઓ પણ પીપળાના વૃક્ષને અર્પણ કરવામાં આવી હતી, જેથી પીપળા દેવ તેમની રક્ષા કરે તેવી ભાવના વ્યક્ત થઈ હતી. લોકોએ યથાશક્તિ દાન-પુણ્ય પણ કર્યું હતું. જેમાં ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, ગરીબોને ભોજન અને સાધુ-બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવામાં આવી હતી.