સાવરકુંડલા ખાતે પ્ર. લ. પંડ્યા ઔદિચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન દ્વારા રક્ષાબંધનના શુભ દિવસે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને સમૂહ જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન થયું હતું. પરશુરામ ઉપવન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ધોરણ ૬માં સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ધૈર્ય ગૌરાંગભાઈ વ્યાસનું પણ વિશેષ સન્માન કરાયું હતું. સન્માન સાથે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓ જ્ઞાતિ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.