સાવરકુંડલામાં પશુપાલકે પાણીનો બગાડ નહીં કરવાનું કહેતા કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુ મારી, મરચાની ભૂકી છાંટી જાનથી મારવાની ધમકી આપી હતી. રામભાઈ મેપાભાઈ કામળીયા (ઉ.વ.૪૨)એ ભરતભાઇ નરશીભાઇ જેઠવા, શોભનાબેન, ભૂમિબેન, મહેશભાઇ ભાલીયા, સાગરભાઇ ભાલીયા, દીનેશભાઇ ભાલીયા તથા નીતુબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ભરતભાઈ અને શોભનાબેનને પાણીનો બગાડ નહી કરવા બાબતે તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ સવારના સમજાવ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી મંડળી રચી તેમને ગાળો આપી હતી.જેથી તેમણે આરોપીઓને ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુનો મુંઢમાર મારી સાહેદ દેવીબેનને ઇંટોના ટુકડાના છૂટ્ટા ઘા માથાના ભાગે મારી મુંઢ ઇજા કરી હતી. આ ઉપરાંત તેમની તથા સાહેદ ઉપર મરચાની ભૂકી નાખી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એમ. અગ્રાવત વધુ તપાસ કરી રહ્યા છે.