સાવરકુંડલાની ધરતી પર ગતરોજ હાસ્ય સમ્રાટ પદ્મશ્રી રતિલાલ બોરીસાગરનો ભવ્ય સન્માન સમારોહ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પટાંગણમાં યોજાયો હતો. સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુના હસ્તે રતિલાલ બોરીસાગરનું સન્માન કરાતા સમગ્ર પંથકમાં હરખની હેલી જોવા મળી હતી. આ પ્રસંગે રતિલાલભાઈએ ભાવુક હૃદયે બાપુના આશીર્વાદને પોતાનું પરમ સૌભાગ્ય ગણાવ્યું હતું.
વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, માયાભાઈ આહીર અને મેહુલભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરેશભાઈ મહેતા અને ટ્રસ્ટીગણની જહેમતથી યોજાયેલા આ પ્રસંગે હાસ્ય સાહિત્યની રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી નોંધને સાહિત્ય જગત માટે ગૌરવરૂપ ગણાવી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીએ સાવરકુંડલાના આ ‘અણમોલ રત્ન’ને વધાવી લઈ શિક્ષણ અને સાહિત્યના વારસાને સુવર્ણ અક્ષરે અંકિત કર્યો હતો.







































