સાવરકુંડલા શહેરના નાવલી બજારના રોડનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ ખોદકામ કરવાની યોજના સામે સ્થાનિક વેપારીઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ખોદકામથી વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી હોવાથી તેમણે રસ્તા પર ઉતરીને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે તંત્રને વિનંતી કરી કે રોડનું ખોદકામ એક સાથે બંને બાજુ કરવાને બદલે એક જ બાજુએ કરવામાં આવે, જેથી સાતમ-આઠમ જેવા તહેવારો દરમિયાન લોકો ખરીદી કરી શકે. આ રજૂઆતમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસે વેપારીઓનું સમર્થન કર્યું હતું. સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈએ આ મુદ્દે તંત્ર સાથે ગંભીર ચર્ચા કરી હતી. આ દરમિયાન મેઇન બજાર અને નદી બજારના અગ્રણી વેપારીઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું કે, આ ખોદકામથી તહેવારોની સિઝનમાં ધંધાને અસર થઈ રહી છે, જેનાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, જો તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો લોક આંદોલન થશે.