અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક ગિરધર વાવ ફાટક પાસે અમરેલી–મહુવા નેશનલ હાઇવે પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં વેપારીઓને ગંભીર અસર પહોંચી છે. તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય રોડ સંપૂર્ણ બંધ કરી ખાડા ખોદી નખાતા હાઇવેને બાયપાસ પરથી ડાયવર્ટ કરાયો છે. પરિણામે મહુવા રોડ પર આવેલા ૧૦૦થી વધુ વેપારીઓ તથા કારખાનેદારોના રોજગાર છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. વેપારીઓએ જણાવ્યું કે કોઈ સર્વિસ રોડ કે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ પોતાના કારખાના કે દુકાન સુધી પહોંચી શકતા નથી. ત્રણ મહિનાથી વેપાર બંધ હોવાને કારણે પરિવારજનો સાથે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. ઓવરબ્રિજનું કામ અઢી વર્ષ સુધી ચાલવાનું હોવાથી ચિંતા વધુ વધી છે. વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો અને માંગ કરી કે તાત્કાલિક સર્વિસ રોડ બનાવવામાં આવે. અંતે, વેપારીઓએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજૂઆત કરી ન્યાય અપાવવા વિનંતી કરી હતી. વિકાસના નામે રોજગાર બંધ થવાથી વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.