સાવરકુંડલામાં લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. કોઈપણ પ્રકારની સરકાર માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવી એલોપેથીક સારવાર આપતા એક શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યો હતો.
આ અંગે સાવરકુંડલાના જીરા ગામે આવેલા પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પાર્થભાઇ અશોકભાઇ ભાલાળાએ સાવરકુંડલામાં રહેતા અહેમદભાઇ રાજેભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, આરોપી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ક્લિનિક ખોલીને બેઠો હતો. તે પોતાની પાસે આવતા દર્દીઓનું નિદાન કરી તેમની પાસેથી ફી વસૂલતો હતો અને એલોપેથીક દવાઓ તેમજ ઇન્જેક્શન આપતો હતો. પોલીસને બાતમી મળતા દરોડો પાડતા આ ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી એલોપેથીક દવાઓ અને મેડિકલ પ્રેક્ટિસમાં વપરાતી સાધન-સામગ્રી મળી કુલ ૧૩ નંગ વસ્તુઓ (કિંમત રૂ.૫,૨૫૮) જપ્ત કરવામાં આવી હતી. આરોપી પાસે મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવી હોય તેવી કોઈ ડિગ્રી મળી આવી નહોતી. આરોપી સારી રીતે જાણતો હતો કે યોગ્ય ડિગ્રી વગર સારવાર આપવાથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે અથવા માનવ જિંદગી જોખમાઈ શકે છે. તેમ છતાં, આર્થિક લાભ મેળવવા માટે તે દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યો હતો. પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.