સાવરકુંડલાની સહજાનંદ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ માં અભ્યાસ કરતા અને મૂળ જાબાળ ગામના વિદ્યાર્થી ખુમાણ જયવંત ઉર્ફે જય યોગેશભાઈ ખુમાણે શિવાજી જયંતી નિમિત્તે શિવાજી મહારાજનું આબેહૂબ પાત્ર ભજવીને શાળામાં હર્ષની લાગણી ફેલાવી દીધી છે. વિદ્યાર્થી જયવંતને પહેલેથી જ દેશના વીર પુરુષો અને ક્રાંતિકારીઓ જેવા કે ભગતસિંહ, જોગીદાસ ખુમાણ અને રામવાળાની અનેક વાર્તાઓ કંઠસ્થ છે. દેશ અને સૈનિકો પ્રત્યે વિશેષ લાગણી ધરાવતા આ બાળકે શિવાજી મહારાજની વાર્તાઓ સાંભળીને શિક્ષકો સમક્ષ તેમનું પાત્ર ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શિક્ષકો દ્વારા તેને ડ્રેસ, ઢાલ અને શિવાજી મહારાજ જેવો જ પહેરવેશ પૂરો પાડવામાં આવ્યો હતો. આ આબેહૂબ રૂપમાં જયવંતે પાત્ર અભિનય રજૂ કરી સમગ્ર શાળાના બાળકો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેને જોઈને શાળાના સ્ટાફમાં પણ ભારે રાજીપો જોવા મળ્યો હતો. આ નાના વિદ્યાર્થીએ શિવાજી મહારાજનું અદભુત પાત્ર ભજવીને શાળા, કાઠી ક્ષત્રિય સમાજ અને પોતાના જાબાળ ગામનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય કૌશિકભાઈ વ્યાસ, શિક્ષક સ્ટાફ તેમજ કાઠી સમાજના અગ્રણીઓ અને ર્બોડિંગના પ્રમુખ અશોકભાઈ ખુમાણ, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિર્મળભાઈ ખુમાણ, પ્રવીણભાઈ કોટીલા, કનુભાઈ વરુ, આણંદુભાઈ તથા પૂર્વ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ વિદ્યાર્થીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.