સાવરકુંડલાથી દ્વારકા પદયાત્રા સંઘનું સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક યાત્રામાં સાવરકુંડલા શહેર સહિત આજુબાજુના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ૭૦૦થી વધુ પદયાત્રીઓ જોડાશે. આજે સવારે પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે અનેક ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે, જેમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. ૧૧ઃ૦૦ કલાકે તમામ પદયાત્રીઓ અને ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદના મુખ્ય દાતા પરમ પૂજ્ય મહંત શ્રી મસા પીર બાપુ (મોમાઈ માતાજીનું મંદિર, નાના ઝીંઝુડા) છે. મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ તમામ પદયાત્રીઓ રાધાકૃષ્ણ મંદિરેથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કરશે. આ સંઘમાં માત્ર એક સમાજ નહીં પણ સર્વ સમાજ અને વિવિધ તાલુકાઓના ધર્મપ્રેમી જનતાનો અનેરો સહયોગ સાંપડી રહ્યો છે.








































