હવે વરસાદ અટકે એની રાહ છે અને હવે વાદળાઓ વિખરાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં તો વનવગડામાં અને રસ્તાની બન્ને બાજુએ લીલા રંગનો પ્રલય થયેલો છે. કવિ પ્રહલાદ પારેખ કહે છે કે જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે…! વરસાદ સારો હોવાને કારણે આ વખતે તહેવારોમાં ભારે લોકોત્સાહ જોવા મળશે. દુનિયાના તમામ વિકસિત દેશો પાસે સમૃદ્ધ હવામાન વિભાગ હોય છે. જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે બુદ્ધિમાન લોકોનો એક વિરાટ કાફલો સતત દેશની ઋતુઓ, જળવાયુ પરિવર્તન અને આવનારા હવામાન પર વિચારણા કરે છે. સંશોધકોની એક મોટી ટીમ એમાં પ્રવૃત્ત હોય છે.

કેલિફોર્નિયામાં જે એક ઓબઝર્વેટરી છે, એનું કામ તો સતત વાદળોનું નિરીક્ષણ કરવાનું છે. વર્ષોથી સંશોધનો કરતા હોવાને કારણે કુદરતના કેટલાક રહસ્યો વૈજ્ઞાનિકોના હાથમાં આવી જાય છે અને એ પ્રમાણે તેઓ પોતાના દેશના વાતાવરણને અમુક અંશે જાતે નેવિગેટ કરી શકે છે. આ વાતની ભારત અને ભારત જેવી અન્ય સરકારોને ન તો ખબર છે કે ન તો એમને કોઈ એની તમા છે. આપણા દેશમાં તમામ પ્રધાનો દાયકાઓથી એક જ ઢોલ વગાડે છે કે વધુ વૃક્ષ વાવો એટલે વધુ વરસાદ આવશે. ખરેખર એવું નથી. વૃક્ષો એક આધાર છે, પરંતુ એ સિવાય વરસાદને પૂરતી માત્રામાં અને નિયતસમયે લાવવા માટેના અનેક ઉપાયો છે, જે હવે વિકસિત દેશો જાણે છે.

હવામાન ખાતાની જવાબદારી દેશના અનેક પ્રકારના કૃષિ પાકને માર્ગદર્શન આપવાની છે. ઉપરાંત ખેડૂતોને હવામાન પ્રમાણે એડવાન્સમાં પાકની પસંદગીના નિર્ણયમાં મદદ કરવાની છે. સામાન્ય પ્રજા એવું માને છે કે વરસાદ આવે અથવા તો સિંચાઇથી પાણી મળે એટલે ખેતીવાડી સારી થાય. એ માન્યતા ભ્રામક છે. જે લોકો ખેતી કરે છે એને ખબર છે કે પાકનો ઘણો મોટો આધાર માત્ર પાણી ઉપર નહીં, પરંતુ પાણી પછીના હવામાન પર નિર્ભર છે. વિકસિત દેશોમાં યુનિવર્સિટીઓ કમ સે કમ તેના વિસ્તારના કિસાનોને વરસમાં ચારથી પાંચ વાર બોલાવે છે અને એમને એમની ભાષામાં સાદગીપૂર્વક આધુનિક કૃષિ ટેકનોલોજી અને હવામાન પરિવર્તનનું જ્ઞાન આપે છે. બદલાયેલા ઉષ્ણતામાનમાં અગાઉ લેતા હતા એ જ પાક, એટલી જ નીપજ સાથે કઈ રીતે લેવા એનું પૂરતું માર્ગદર્શન આપે છે. યુનિવર્સિટીના પ્રોફેસરો વળી વરસ દરમિયાન તેમણે ભણાવેલા એ કિસાનોના ખેતરો પર અવારનવાર મુલાકાત લે છે.

જળવાયુ સંકટની શરૂઆત હવે નવા નવા વળાંકે પહોંચવા લાગી છે. છેલ્લા ત્રણ જ વરસમાં એવો કોઈ દેશ બાકી રહ્યો નથી જ્યાં કુદરતી કોપ ન ઉતર્યો હોય. કુદરતી હોનારતો, ઝંઝાવાત, પ્રલય…. જે ક્વચિત જ બનતી ઘટનાઓ હતી તે હવે સામાન્ય થઈ ગઈ છે. આપણે ત્યાં પૂર્વોત્તર ભારતમાં બ્રહ્મપુત્રા નદી કાયમ ચોમાસામાં એના બેય કાંઠે તારાજી ફેલાવે છે. લોકમાતા એકાએક મહાવિનાશિની બની જાય છે. સંખ્યાબંધ નાગરિકો તણાઈ જાય છે અને કરોડો રૂપિયાનું જાનમાલને નુકસાન થાય છે. બ્રહ્મપુત્રામાં જે ઉછળતા ઘોડાપુર આવે છે એ પૂનમની રાતે કિનારે પછડાતા મહાસાગરની તાકાત ધરાવતા હોય છે. આજે પણ એ નિરંકુશ વહી રહ્યા છે.

આ બ્રહ્મપુત્રા નદી પર કામ કરનારા એટલે કે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોનો આપણા દેશમાં દુષ્કાળ છે. આ એટલી સમર્થ નદી છે કે અરધા ભારતને પોષણ આપી શકે છે. એની સરેરાશ ઊંડાઈ આઠસો ફૂટ છે અને ક્યાંક તો એ હજારેક ફૂટનું ઊંડાણ ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશમાંથી એ વહે છે. ગંગાની મૂળ નદી પદ્મા સાથે ભળીને એ બંગાળના અખાતમાં સમાઈ જાય છે. આપણી ભૌગોલિક રચના પણ એવી છે કે સરકાર ધારે તો છેક કન્યાકુમારી સુધી બ્રહ્મપુત્રાની અમૃતધારા પહોંચાડી શકે. પરંતુ એ કલ્પનાનો જ વિષય છે. કારણ કે નિર્ણાયક રાજનેતાઓ પ્રજામાંથી જ આવે છે, તેઓ સામાન્ય નાગરિક જ છે, કોઈ અવતારી દેવ કે દેવી તો નથી. અને પ્રજા તરીકે જુઓ તો આપણામાં નદીની સંભાળ લેવાના કોઈ સંસ્કાર નથી. ગુજરાતમાં મોટાભાગની નદીઓમાં હવે ઊંડાણ જ નથી. રસ્તાને અને આસપાસના ખેતરોને સમાંતર સપાટીએ એ વહે છે.

એને કારણે ભારેથી અતિભારે વરસાદમાં વારાફરતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની લાખો હેક્ટર જમીનો ધોવાતી રહે છે. કારણ કે જળને ધારણ કરવાની નદીની ક્ષમતા જ નહિવત્ થઈ ગઈ છે. હવેના વરસો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઉચાચારેલી ચેતવણી પ્રમાણે આકરા છે. વર્લ્ડવોચ સંસ્થાએ એના નવા અહેવાલમાં કહ્યું છે કે સમગ્ર એશિયાનું હવામાન ધરમૂળથી બદલાઈ ગયું છે. એશિયા હવે લાંબા ગાળા માટે અલ્પ અને અનિયત વરસાદનો પ્રદેશ બની જવાની ભીતિ છે. એશિયામાં અલ્પવર્ષાનો યુગ શરૂ થઈ ગયો છે.

પરંતુ આ પ્રારંભિક વરસો છે એટલે જો સમગ્ર એશિયા જાગૃત રહીને જળવાયુ પરિવર્તનને સમજે અને એની નકારાત્મક અસરથી બચવાના વૈજ્ઞાનિક તથા કુદરતી ઉપાયો અજમાવે તો પરિસ્થિતિ સુધરી શકે એમ છે. પરંતુ એશિયાના વિવિધ દેશો માટે પર્યાવરણ માત્ર સેમિનાર અને કોન્ફરન્સનો જ વિષય છે. ભારતની જે કુદરતી સૌન્દર્યની મજા છે એને યુગયુગાન્તર સુધી ટકાવવી હોય તો સરકારે અનેક નવા પ્રોજેક્ટ પર સમાંતર કામ કરવું પડશે. ઉનાળામાં ભારતમાં વસંત અને ગ્રીષ્મ એમ બે ઉપઋતુઓ છે. પહેલા વસંત આવે. એટલે કે ફાગણ અને ચૈત્રમાં આછો અને હળવો તડકો હોય. પરંતુ હવે એ હળવાશ રહી નથી. ફાગણ-ચૈત્રના ઉત્સાહી વાસંતિક પવનો લુપ્ત થઈ ગયા છે અને ફાગણથી જ આકરા સૂરજતાપની શરૂઆત થઈ જાય છે.

દેશમાં ઋતુઓમાં થઈ રહેલા ફેરફારો બાગાયતી પાકો માટે ઘાતક નીવડે છે. ફળફળાદિ તો આવે છે પણ એમાં પહેલા જેવું માધુર્ય ન હોય. આ તો સહુનો અનુભવ છે. એ જ રીતે શાકભાજીના સ્વાદ પણ મોળા પડી રહ્યા છે. આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે ? એકલી સરકાર કંઈ કરી શકે એમ નથી. કારણ કે એમને શાસન જ પ્રિય હોય છે અને પોતાના પક્ષની ધજા ફરકતી રાખવામાં રસ હોય છે. રાજકીય લોકોની દૃષ્ટિ ટૂંકી છે. એટલે એશિયામાં જે દેશ પાસે પર્યાવરણ, હવામાન અને પ્રકૃતિ વિષયક મહાન સંશોધક, રાષ્ટ્રસેવાભાવના ધરાવતા વૈજ્ઞાનિકોનો મોટો સમૂહ હશે તે દેશો બચી જશે.