સાયકલના બંને વ્હીલના રક્ષણ માટે જે કમાન આકારના વ્હીલ ગાર્ડ આવે છે તેને અમે પંખા કહેતા. વળી આ પંખાના છેડે નીચેના ભાગે, ગારો ઉડે નહીં તે માટે, રબરના જે લટકણીયાં આવતાં તેને અંગ્રેજીમાં તો મડગાર્ડ (Mudguard) કહેવામાં આવે છે. પણ અમે આ લટકણીયાંને ફડફડિયાં કહેતા. અત્યારે તો એવું બહુ જોવા મળતું નથી પણ એ દિવસોમાં ફડફડિયું પોતે જ કોઈને કોઈ ફિલ્મનું પોસ્ટર બનીને અમારી નજરમાં ફડફડતું રહેતું. હું છઠ્ઠું-સાતમું ભણતો એ દિવસોમાં સાયકલના ફડફડિયાંઓ પાછળ એક ફિલ્મનું પોસ્ટર લગભગ બધી જ સાયકલોમાં જોવા મળતું એક ફિલ્મ હતી “ખુદગર્ઝ”. સાયકલનું ફડફડતું ફડફડિયું અને એ ફડફડિયાંમાં ફડફડતો શત્રુ અને જીતલો આજે પણ મને ફડફડતા દેખાય છે – મારા સ્મૃતિપટ ઉપર. ફડફડિયાં જોઈજોઈને “ખુદગર્જ” જોવાનો ચટપટાટ ઉપડતો પણ પોસ્ટર જોઈને જ સંતોષ માનવો પડતો. અમારા ગામનો એક બારોટનો છોકરો એના બાપા સાથે ગીરમાં યજમાનમાં ગયેલો અને વળતા દાણાદુણી ઉઘરાવીને પરત ફરતી વખતે એને એના બાપાએ પિક્ચર દેખાડેલું ખુદગર્ઝ. એણે દિવસોના દિવસો સુધી “ખુદગર્જ”ની સ્ટોરી અમને વારંવાર સંભળાવેલી. મને તો સાંભળવામાં રસ પડતો જાય ને અંદરથી ઈર્ષા થતી જાય. મારાથી તો મારા બાપાને કહેવાયે નહીં કે ‘ખુદગર્ઝ’ જોવું છે, નહીંતર શત્રુ સ્ટાઇલનું ઢીશુમ-ઢીશૂમ અમારા ગાલ ઉપર થઈ જાય. એટલે ‘ખુદગર્જ’ જોવાની અબળખા બહુ જૂની હતી. પણ આખરે ૧૯૮૭ની સાલમાં ૩૧ જુલાઈના રોજ રિલીઝ થયેલું ‘ખુદગર્જ’ મેં તેના રિલીઝના ૩૭ વર્ષ પછી ૨૦૨૫ની ૩૧ જુલાઇની રાત્રે મારા પર્સનલ થિયેટરમાં જોયું. ફિલ્મની વાત ક્યારેક નિરાંતે કરીશ પણ ફડફડિયામાં જ જોયેલી એવી ઘણી ફિલ્મો છે. પડદા ઉપર તો બહુ વર્ષો પછી આ ફિલ્મો જોવા મળેલી. ફર્જ, કુદરત કા કાનૂન, લોહા, મુકદ્દર કા સિકંદર, ડોન, જંજીર, દીવાર , શોલે જેવી ફૂલ મુવી વર્ષો સુધી માત્ર કોઈને કોઈની સાયકલના ફડફડિયાંમાં જ જોયેલી. પણ ત્યાર પછી ફડફડિયાંઓનો યુગ સમાપ્ત થતો ચાલ્યો. છેલ્લે ૯૦ ના દાયકામાં અકેલા, ખુદા ગવાહ, ફુલ ઓર કાટે, મેને પ્યાર કિયા, ડર, મોહરા સુધીના ફડફડિયાંઓ જોયેલાં પણ ત્યાર પછી હવે તો એ વખતમાં હતી એના કરતાં પણ શાનદાર સાયકલો બજારમાં અને રસ્તાઓ ઉપર જોવા મળે છે પણ એ વખતે જોવા મળતા એવા શાનદાર ફડફડિયાં હવે ક્યાંય જોવા જ મળતા નથી. ફડફડિયાં યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. ફડફડિયાં હવે ઇતિહાસ બની ગયાં છે.