ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે. સાબરમતી જેલમાં કુખ્યાત વિશાલ ગોસ્વામીના બેરેકમાંથી એક આઈફોન અને કીપેડ ફોન એમ બે ફોન મળી આવ્યા છે. આ માહિતી મળ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાણીપ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના સાબરમતી જેલમાં આવેલા હાઈસિક્યુરિટી ઝોનમાંથી બે ફોન મળી આવ્યા છે. કુખ્યાત કેદી વિશાલ ગોસ્વામીની બેરેક શંકાસ્પદ જણાઈ હતી. જે બાદ જેલના ઇન્ચાર્જ બેરેકની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાતા વિશાલ ગોસ્વામીની જેલની ખોલીમાંથી આઈફોન અને કીપેડ એમ બે ફોન મળી આવ્યા હતા.
નોંધનીય છે કે, અમદાવાદમાં વર્ષ ૨૦૧૫માં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ અનેક જ્વેલર્સ માલિકો પર ખંડણી માટે ફાયરિંગ કર્યાના ગુના નોંધાયા છે. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યા હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ સમયે ઉત્તરપ્રદેશમાંથી વિશાલ ગોસ્વામીને પકડી પાડ્યો હતો. હાલ તે સાબરમતી જેલમાં બંધ છે.
અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં થોડા દિવસો પહેલા પણ મોબાઈલ મળી આવ્યો હતો. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ‘બડા ચક્કર’ વિભાગમાંથી એક સ્માર્ટફોન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કેદીઓએ પોલીસની નજરથી બચવા માટે જેલના બાથરૂમની ટાઇલ્સ પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક આ મોબાઇલ છુપાવ્યો હતો. જાકે, ઝડપાયેલા આ મોબાઇલમાં સીમકાર્ડ મળી આવ્યું નથી. જેથી આ મોબાઈલ કોનો છે એ ખબર ન પડે.