મહેસાણાઃ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની ભારે આવકને પગલે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.હાલમાં ડેમમાં ૧,૩૧,૬૯૧ ક્્યુસેક પાણીની આવક નોંધાઈ છે. પાણીના આ પ્રચંડ પ્રવાહને નિયંત્રિત કરવા માટે, ધરોઈ ડેમના આઠ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓમાંથી હાલમાં ૧,૦૭,૨૩૮ ક્્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગામના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.બીજી બાજુ, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. નદીમાં પાણીની આવક વધી જતાં હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલી અંદાજે ૧૦ હજાર ક્્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે હરણાવ નદીમાં ધસમસતો પ્રવાહ જાવા મળ્યો હતો. આ તરફ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ખેડબ્રમાના સોમનાથ મહાદેવના મંદિર સુધી પાણી ઘુસી ગયા છે. જેના કારણે મંદિરના પુજા અને દર્શાનાર્થીઓ ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે દેરોલ નજીક પણ હરણાવ નદીના પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા.