સાબરકાંઠાના હિંમતનગરમાં પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. હિંમતનગર પોલીસને પાંચ-છ દિવસ અગાઉ ધાણધા વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. આ લાશ મળવાની ઘટનાને લઈ હિંમતનગર પોલીસે તપાસ શરુ કરવા દરમિયાન લાશ પર કેટલાક શંકાસ્પદ નિશાન જણાયા હતા. જેને કારણે હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરુ કરતા જ એસઓજીએ હત્યા હોવાનો ભેદ ઉકેલી લીધો હતો.
હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર આવેલ ધાણધા વિસ્તારમાં એક દાળમીલ પાછળથી છ દિવસ અગાઉ ઝાડી-ઝાંખરામાંથી એક ૫૫ વર્ષના આધેડની લાશ મળી આવી હતી. લાશ મળવાની ઘટનાને લઈ હિંમતનગરના બી ડિવિઝન પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ હત્યાની આશંકાએ તપાસ શરુ કરી હતી.
લાશ પર કેટલાક શંકાસ્પદ નિશાન હોવાનું જણાતા જ પોલીસે હત્યાની આશંકા રાખીને તપાસ શરુ કરી હતી. આ દરમિયાન એસઓજીની ટીમને પગેરુ હત્યા હોવાની દિશામાં દોરી જતા આખરે બે આરોપીઓને ઝડપી લઈને હત્યાની તપાસ શરુ કરી હતી. સાથે જ આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરીને મૃતકની એફએસએલ તપાસ પણ કરવામાં આવી હતી. જેથી મોતના સ્પષ્ટ કારણ અને પુરાવાઓ એકઠા કરી શકાય.
ઘટનાને લઈને કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પુત્ર અને કૌટુંબિક ભત્રીજાની પોલીસે ધરપકડ કરી બંને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પિતા પુત્ર વચ્ચે ખટરાગ સર્જાયેલો હતો. પિતા દ્વારા અનેક વાર કનડગત કરતા હોવાના આક્ષેપ પણ સામે આવ્યા હતા. જેને લઈને પુત્ર અને કૌટુંબિક ભત્રીજાએ ભેગા મળીને હત્યાની રાત્રી દરમિયાન આ ગડદા પાટુના માર મારીને અને બોથડ પદાર્થના ઘા મારી મોત નીપજાવ્યું હતું.
હત્યા કરીને ૧૮ ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ૫૫ વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓડની લાશ દાળમીલ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા.૧૯ ફેબ્રુઆરીએ એસપી, ડિવાયએસપી, એસઓજીની ટીમ સહિત હિંમતનગર બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે હત્યાની શરુઆતથી જ આશંકા રાખીને મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પુછપરછ કરી હતી.મૃતક પર બોથડ પદાર્થ વડે માથામાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશને દાળમીલ પાછળ ઝાડીમાં નાંખી દીધી હતી. એસઓજી અને બી.ડિવિઝન પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતાં ગોપાલ ઓડનું મોત નિપજાવનાર તેનો પુત્ર મિતેશ ઓડ (ઉ.વ.૨૬) તથા ભવાની રેસીડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર શામળ ઓડ એટલે કે પુત્ર અને ભત્રીજાએ ભેગા મળીને પિતા-કાકા ગોપાલ ઓડની હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં હત્યાનો ભેદ બહાર આવ્યા બાદ મૃતકના પુત્ર રવિ ગોપાલ ઓડની ફરીયાદને આધારે પુત્ર મિતેશ ઓડ તથા ભત્રીજા ઈશ્વર ઓડ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીએસસી કરતા પુત્રએ પિતા પુત્ર વચ્ચે થતા ઝઘડાને લઈ રાત્રી દરમિયાન પુત્ર અને કૌટુંબિક ભત્રીજાએ બોથડ પદાર્થ અને ગડદા પાટુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.









































