વિજયનગર તાલુકામાં માનવતા અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. ધોળીવાવ ગામની એક સગીરા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે પરિવાર ‘ચડોતરું’ પ્રથા પાડી છેલ્લા ચાર દિવસથી ન્યાયની લડત લડી રહ્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી પરિવાર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના સાબરકાંઠાના અંતરિયાળ ગણાતા વિજયનગર પંથકમાં ર ‘ચડોતરું’ પ્રથાને કારણે છેલ્લા ૯૬ કલાકથી તણાવપૂર્ણ સ્થિતિ છે. એક સગીરાના રહસ્યમય મોત બાદ પરિવારે દુષ્કર્મ અને હત્યાનો ગંભીર આક્ષેપ સાથે ‘ચડોતરું’ પ્રથા પાડી છે. પોલીસ દ્વારા આ મામલે યોગ્ય ફરિયાદ નોંધવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે પરિવારે સગીરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા નથી. છેલ્લા ચાર દિવસથી મૃતદેહ ઘરે જ રાખવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
પીડિત પરિવારનો આક્ષેપ છે કે, તેમની દીકરી સાથે પ્રથમ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યાર બાદ પુરાવાનો નાશ કરવા તેની હત્યા કરી દેવામાં આવી છે. જેથી હાલ પોશીના અને ખેડબ્રહ્માના પહાડી વિસ્તારોમાં જાવા મળતી ‘ચડોતરું’ (ન્યાય માટે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવાની પરંપરા) જેવી સ્થિતિ હવે વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાવા મળી રહી છે.
ચડોતરૂ પ્રથા એ ખાસ કરીને આદિવાસી સમાજની ન્યાયની માંગ માટેની આગવી પરંપરા છે. ખાસ તો આ પ્રથા એવા સમયે અનુસરાય છે કે, જેમાં કોઈનું અકાળે મૃત્યું થાય અથવા તો કોઈ પણ અઘટીત ઘટનાનો અન્ય કોઈ વ્યક્તિ પર આરોપ લાગે! આવા સમયે ભોગ બનનાર પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે ચડોતરૂ પ્રથા પાડે! આ પરંપરામાં મૃતકના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી(કોઈ વાર તો વર્ષો સુધી) તેને ત્યાં ને ત્યાં જ લટકાવી રાખવામાં જ આવે છે.
હાલના સમયમાં ન્યાય માટે પોલીસ પ્રશાસન અને કોર્ટ-કચેરી આમ જનતાનો સહારો છે, પરંતુ આ ચડોતરૂ પ્રથામાં ગામના વડીલ લોકો જ મધ્યસ્થમાં બેસીને બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે. ગામનો પંચ ભેગો થયા બાદ પીડિત પરિવારની માંગણીઓ પંચ તથા જેના પર આરોપ હોય તે પક્ષ સમક્ષ રાખવામાં આવે છે અને સમાધાન માટે માંગણીઓ પુરી કરવાની અથવા તો ઘણા કિસ્સામાં રૂપિયાની લેતી-દેતીથી સમાધાન થાય છે.
આવી જ રીતે હાલ સાબરકાંઠા વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાના મૃત્યુ બાદ પરિવારે રેપ વિથ મર્ડરની શંકા વ્યક્ત કરતા તેમનાના ઘરે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે, જે વહીવટી તંત્ર અને પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે. સતત ચાર દિવસથી મૃતદેહ ઘરે હોવા છતાં કોઈ સમાધાન ન આવતા સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
આ મામલે પીડિત પરિવારની સ્પષ્ટ માંગ છે કે, જવાબદાર આરોપીઓ સામે કડક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવે. સાથે જ આ કેસની તટસ્થ તપાસ કરી નરાધમોની ધરપકડ કરવામાં આવે. જ્યાં સુધી પોલીસ ન્યાયિક પ્રક્રિયા શરૂ નહીં કરે, ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં.
આદિવાસી સમાજની આ પરંપરાગત પ્રથાને પગલે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સમજાવટના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પરિવાર નમતું જાખવા તૈયાર નથી. જા આગામી સમયમાં કોઈ નક્કર ઉકેલ નહીં આવે, તો અંતરિયાળ વિસ્તારમાં સરકાર અને વહીવટી તંત્ર માટે કઠિન પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, એક તરફ દીકરીઓના સન્માનની વાતો થાય છે, ત્યારે બીજી તરફ ન્યાય માટે એક પરિવારને પોતાની દીકરીના મૃતદેહ સાથે આ રીતે દિવસો સુધી બેસવું પડે તે તંત્રની નિષ્ફળતા છે કે શું?







































