જીવનમાં સફળતા મળતી જણાય તો તમને તમારું જીવન સાર્થક લાગતું જણાય, નહિતર મનમાં એક પ્રકારની નિરાશા વ્યાપી જાય જે તમને દિનપ્રતિદિન નકારાત્મકતાની ગર્તામાં ધકેલતી જાય અને અંતે સફળતા મળવાની એકબાજુએ રહી જાય અને તમે તણાવ કે ડિપ્રેશનનો ભોગ બની હતાશાભર્યું અને સામાન્ય જીવન જીવતાં થઇ જાવ. માટે સફળતા મેળવવા માટે સમયસર પગલાં લઇ, તેનો અમલ કરવામાં લાગી જવું જોઇએ..તો સફળતા તમારા ચરણ ચુમશે..!
– સફળતા મેળવવા માટે, આદર્શ જીવનશૈલી જરૂરી:
ઘણી વાર સફળતા મેળવેલી વ્યક્તિઓને જોઈને આપણને તેમનાં જેવા બનવાનો વિચાર આવે એ સ્વાભાવિક છે કે ‘સફળ માણસોએ શૂન્યમાંથી સર્જન કઈ રીતે કર્યું હશે ?’ પરંતુ એ બધા લોકો પાસે બધી જ જાતની સારી સગવડ હતી માટે તેઓ સફળ થયા એવું નથી હોતું. કોઈ જ સુપરપાવર નથી કે ખૂબ સારું ભાગ્ય લઇને પણ કોઇ આવતું નથી. તકલીફ તો દરેકને પડે છે, તેમ છતાં તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે, એનું એક માત્ર કારણ….તેમની આદર્શ જીવનશૈલી.
જો તમારી જીવનશૈલી પણ આદર્શ હશે તો તમને પણ સફળતા મેળવવામાં ખાસ તકલીફ નહીં પડે. હા.. સખત પરિશ્રમ તો તમારે પણ કરવો જ પડશે.
તમે રોજિંદું જીવન કેવી રીતે જીવો છો, રોજ કેવા કાર્ય કરો છો, તમે તમારા જીવનમાં કેવી-કેવી સુટેવ-કુટેવ પાડી છે તેના પર તમારી સફળતાનો આધાર રહેલો છે.
(૧) સવારે વહેલા ઉઠો:
દરેક વ્યક્તિ પાસે રોજના ૨૪ કલાક તો પૂરા જ હોય છે, તેમ છતાં ઘણા લોકો પોતાનું બધું જ કામ સમયસર પતાવી દે છે. જ્યારે ઘણા લોકો સમયના અભાવની કે પોતાની પાસે સમય ન હોવાની બૂમો પાડે છે. પણ જેઓ સફળ છે તેઓ રોજ સવારે વહેલા ઉઠી પોતાનું દૈનિક કામકાજ નિયત સમયે આરંભી નિયત સમયે પૂરું કરી જ દે છે. એટલે તેમને દિવસ દરમિયાન વધારે સમય મળે છે. વહેલાં ઉઠવાથી ફ્રેશ રહી બધા કામ જલ્દીથી પૂરા કરી શકાય છે.
(૨) સારા શ્રોતા બનો: જેઓ ખૂબ બોલ-બોલ કર્યા કરે છે, તેઓ ખરેખર તેમના સમય અને એનર્જીને ખોટી રીતે વેડફે છે. જેઓ ઓછું બોલે છે અને સામેનાને શાંતિથી સમજપૂર્વક સાંભળે છે, અને જે સાંભળ્યું તેને બરાબર સમજે છે. જેથી તેમની વિચારવાની શક્તિ વધી જાય છે, પરિણામે તેઓ જે-તે નિર્ણયને વધુ સારી રીતે લઇ શકે છે. જેઓ બીજાને સારી રીતે સાંભળે છે, લોકો તેમની સાથે બેસવાનું વધુ પસંદ કરે છે અને તેમના મિત્રો વધુ બને છે. આવી વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઉઠવાની સાથોસાથ પ્રભાવશાળી બને છે. (૩) ‘ના’ પાડતાં પણ શીખો:
તમે કોઇ કઠપૂતળી નથી કે બધાની બધી વાતમાં ‘હા જી હા’ જ કરવાની હોય. તમારામાં સાચા-ખોટા અને સારા-નરસાનો વિવેક હોવો જોઈએ. જે તમારા સિદ્ધાંતોની વિરુદ્ધ હોય એવા કાર્યો માટે ‘ના’ પાડતાં પણ શીખો. દરેકે-દરેક વાત કે બાબતમાં હંમેશા હા જ પાડવી એ ક્યારેક તમારા માટે જોખમરૂપ પણ બની શકે છે. કોઈની પણ શેહ-શરમમાં આવી જઇ હા-નાના નિર્ણયમાં સંકોચ રાખવો નહીં. તમને પોતાને ફાલતુ લાગતા કામ માટે ચોક્કસપણે ‘ના’ પાડતાં શીખો.
(૪) તમે તમને પોતાને પણ સમય આપો:
શું તમે ક્યારેય ૧૦ મિનિટ શાંતિથી બેસીને તમારી જાત માટે વિચાર્યું છે કે સ્વમૂલ્યાંકન કર્યું છે ? તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે ? તમે કઇ હાલતમાં, કેવી રીતે અને કયા મનોબળના આધારે જીવી રહ્યા છો ? એ ક્યારેય વિચાર્યું છે ? વર્તમાન સમયને પહોંચી વળવા માટે અને ભવિષ્યનું પ્લાનિંગ કરવા માટે…તમારે તમારી પોતાની જાત માટે પણ સમય ફાળવવો જોઈએ. કેમ કે, તમને પોતાને તમારાથી સવિશેષ બીજું કોઈ જ જાણતું, ઓળખતું કે સમજતું નથી. માટે જીવનમાં તમે તમારા માટે પણ પૂરતો સમય ફાળવો.
(૫) જોખમ પણ લો:
માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. એવા આપણા સૌના જીવનમાં જોખમ ન લેવું તે સૌથી મોટું જોખમ છે, લોકો શું વિચારશે ? શું કહેશે ? શું માનશે ? એ બધું ભૂલી જાવ અને કોઈપણ કિંમતે તમારા ધ્યેયને પૂરા કરવા માટે ચોક્કસપણે હસતે મોંએ જોખમ પણ લો. જોખમ એક યોદ્ધાની માફક લેવું, જે જીવના જોખમે પણ રણભૂમિમાં જઈ તમને વિજય પ્રાપ્ત કરાવે. જો તમે જોખમ નહીં લો તો કદાચ આખી જિંદગી તમને અફસોસ રહી જશે કે તમે કંઈ પણ મેળવી ન શક્યા.
(૬) નિર્ણય લેતા અને અમલ કરતા શીખો:
તમે તમારી આસપાસની દુનિયામાં જોતાં જ હશો કે, મોટાભાગના લોકોની જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ એટલા માટે આવતી હોય છે કે, એ લોકો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેતાં જ નથી. કેટલાક લોકો તો હમણાં નિર્ણય લઉં છું..માં નિર્ણય લેતા જ નથી. તો કેટલાક લોકો હોંશમાં ને હોંશમાં નિર્ણય તો લઇ લે છે પણ એનો અમલ કરવામાં એટલો બધો વિલંબ કરે છે કે, ક્યાં તો એ તક નીકળી ગઇ હોય અને ક્યાં તો એ નિર્ણયનો અમલ જ શરૂ કર્યો ન હોય. ‘કેટલીકવાર આપણે, સમજ્યા વિચાર્યા વગર પગલાં લઈએ છીએ; અને કેટલીકવાર બસ, વિચાર જ કર્યા કરીએ છીએ.’
જો તમારે તમારા ધ્યેયને સમયસર પૂરું કરવું હોય તો બરાબર સમજી-વિચારીને નિર્ણય લો અને એ લીધેલા નિર્ણયને પાર પાડવા માટે તેનો નિયત સમયે અમલ પણ કરો. માત્ર વિચાર કર્યા કરવાથી કાંઈ નહીં મળે.
(૭) કંઈ ને કંઈ નવું શીખતાં રહો:
તમે જોશો કે નાનાં બાળકોમાં હંમેશાં કંઈને કંઈ નવું જોવા-જાણવાની, માણવા-શીખવાની તમન્ના સમજ આવે ત્યારથી જ હોય છે, જેના કારણે તેમનો વિકાસ જલ્દી થાય છે. જેમને પોતાના ફીલ્ડમાં નિપુણતા હોય છે તેઓ સતત તેમના ફીલ્ડની બધી જ બાબતોમાં અપ-ટુ-ડેટ હોય છે. તેઓ સતત કંઈ ને કંઇ નવું શીખતાં જ રહે છે. જેથી તેમના ફીલ્ડમાં તેમની મોનોપોલી જળવાઇ રહે છે, બલકે દિનપ્રતિદિન વધતી જ જાય છે. તમે પણ તમારા જીવનમાં આગળ વધવા માટે કંઈ ને કંઈ નવું શીખતા રહો. જે તમને તમારી સફળતાની મંઝિલ સુધી અવશ્ય લઈ જશે. sanjogpurti@gmail.com