અમદાવાદ ગ્રામ્ય પોલીસએ બાતમીના આધારે સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં રેડ પાડતા દારૂની મહેફીલનો પર્દાફાશ થયો છે. જન્મ દિવસ માટે યોજાયેલી આ પાર્ટીમાં આવેલા લોકોને ન માત્ર દારૂ પીરસવામાં આવતો હતો તેની સાથે હુક્કા પાર્ટી પણ આયોજન કરવામાં આવ્ચું હતુ. પોલીસે ૩૦થી ૪૦ દારૂની બોટલ સાથે ૭ હુક્કા પણ કબજે કર્યા છે. આ હુક્કામાં કોઈ નશાયુક્ત વસ્તુ નાંખીને વપરાયું છે કે નહીં તેની વિગત મેળવવા પોલીસ એફએસએલની મદદ લેશે.
ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં બેફામ અને બે રોકટોક દારૂ પીવાઈ રહ્યો છે તે સાબિત થયું છે. સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનું આયોજન કરનારા પ્રતીક સાંઘી સાથે ૩૯ લોકોની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ દારૂની મહેફિલમાં પોલીસ માટે પણ ચોંકાવનારી બાબત એ હતી કે, પકડાયેલા જે લોકો છે તેમાં ૨૬ યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી હતી. જેની સાથે ૧૩ યુવકો દારૂ પીધેલા મળ્યા હતા. જાકે પોલીસે પકડેલા ૩૯માંથી ૨૬ યુવતીઓને નોટિસ આપી છોડી મૂકી હતી. જ્યારે ૧૩ યુવકો સામે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્યના એસપીએ જણાવ્યું છે કે, દારૂની મહેફિલ સાથે હુક્કા પણ મળી આવ્યા છે. ખાલી અને ભરેલી મળી બોટલો ઉપરાંત સાત હુક્કા મળી આવ્યા છે. જેમાં વપરાયેલા કન્ટેન્ટની તપાસ માટે મદદ લેવાઈ રહી છે. જા એમાં કોઈ નશા યુક્ત કન્ટેન્ટ ધ્યાને આવશે તો તેને આધારે એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત દારૂ મોકલનાર મિત નામના શખ્સની તપાસ પણ કરવામાં આવી રહી છે.
હવે પોલીસ માટે તપાસનો વિષય એ પણ બન્યો છે કે, સાણંદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક રિસોર્ટ, ફાર્મ હાઉસ, વિકેન્ડ વિલા, ક્લબો આવી છે તે તમામ જગ્યાએ આ પ્રકારે દારૂની મહેફિલો થાય છે કે દારૂનું સેવન થાય છે કે નહીં તે મામલે પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરશે.