“દામલ, જેટલા દિવસ આ ઘરમાં હું તારી સાથે રહી તે એક એક દિવસ, એક એક કલાક હું સ્વર્ગમાં રહી હોઉં તેવો અહેસાસ મને થયો છે. હવે…., કોઇની પત્ની તરીકેની ફરજ પૂરી કરવા માટે હું આ સ્વર્ગ જેવું ઘર, સગી મા કરતાં પણ વહાલાં બા, મારી – આપણી શાળા, આ કમળાપુર ગામ અને સલામ કરવાનું મન થઇ આવે તેવો મારો અને તારો પ્રેમ છોડીને હું મારા ગામ જઇ રહી છું. હા, હું શું કરી રહી છું, શું કામ કરી રહી છું… તે અત્યારે મને કંઇ જ ખબર નથી. શું કરૂં ? અમુક બંધન એવા હોય છે કે, એને છોડવા અતિ મુશ્કેલ હોય છે. એવા જ કોઇ બંધનમાં સખત રીતે બંધાઇ ચૂકેલી આ તારી જ્યોતિને તું દિલથી હૃદયથી ક્ષમા કરી દેજે. મારી કોઇ ભૂલ થઇ હોય તો મને પાગલ ગણી લઇ માફ કરી દેજે…” આટલું બોલી દામલના ચરણને નમન કરી તે ધીમે રહીને ઊભી થઇને સીધી જ દામલને વળગી જઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ત્યારે દામલ તો બસ એમ જ ચૂપ ઊભો રહ્યો કારણ કે તેની આંખમાંથી અવિરત આંસુ તો વહેલતાં જ હતાં.
થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ ગંભીર બની ગયું હતું. અંતે જ્યોતિને વહાલથી સાંત્વન આપતા દામલે શાંત પાડી દીધી. પછી ત્યાં જ હિંડોળા પર જ્યોતિને બેસાડી પોતે પણ બેઠો. થોડીવાર પસાર થઇ, એટલે જ્યોતિ સ્વસ્થ થઇ પછી જ્યોતિ જ મૌન તોડતા બોલી: “ સાડા આઠ થયા છે મારે હવે અહીંથી નીકળવું જાઇએ, દામલ…”
“હા, ચાલ…. તારો સામાન લઇ લઇએ…” આમ બોલતાની સાથે દામલ હિંડોળા પરથી ઊભો થયો. જયોતિ પણ ઊભી થઇ. રૂમમાંથી બે બેગ અને એક મોટો થેલો જ્યોતિ બહાર લઇ આવી. ઓસરીની કોરે સામાન મૂક્યો. દામલ ઓસરી નીચે ઊતર્યો, જ્યોતિ પણ નીચે ઉતરી. દામલે એક એક બેગ હાથમાં પકડી. બરાબર એ સમયે જ્યોતિએ દામલની લગોલગ આવી જઇને તેના હોઠ પર ચુંબન કર્યું. કદાચ… આ ચુંબન તેના માટે છેલ્લું હશે. આવું અપ્રતિમ રસાળ ચુંબન જ્યોતિએ સામેથી કર્યું હોવા છતાં દામલ તો ખૂબ જ ગંભીર થઇ ગયો હતો. કદાચ તે શૂન્યમનસ્ક થઇ ગયો હતો. છતાં બેગ પકડી તે જ્યોતિની સાથે ડેલી બહાર નીકળ્યો.
આજે સાંજના બા આવવાનાં હતાં. એ આવે તે પહેલાં સવારના નવ વાગે જ્યોતિ તેના ગામ ચાલી જવા માટે હવે બસમાં ચડી બેઠી. તેની નજર સામે જ સોહામણો, અતિ સુંદર, સાવ ભોળો, નિખાલસ, સારો એવો દેખાવડો, ખૂબ જ જ્ઞાની અને કવિ – લેખક જેવું ઋજુ હૃદય ધરાવતો દામલ અત્યારે ભારે હૈયે ઉદાસ થઇને ઊભો હતો. બસમાં બેઠી બેઠી જ્યોતિ બારી બહાર દ્રષ્ટિ ફેંકી દામલને જાઇ સાચે જ આંસુ પાડી રડતી હતી. પરંતુ…, દામલ તો પુરૂષ હતો, પૂર્ણપુરૂષ ! પુરૂષ હોવાને લીધે… દામલ… આમ જાહેરમાં રડી ન શક્યો. એનું હૈયું તો સાચુકલા ખૂબ ખૂબ ભરાયું હતું, ખૂબ ખૂબ તે મૂંઝાઈ રહ્યો હતો. પરંતુ અત્યારે તેનાં આંસુ સાવ સુકાઇ ગયાં હતાં. જા ને… માંડ માંડ તે ઊભો રહ્યો હતો.
હવે આળવીતરી બસ પણ ચાલુ થઇ, બસને નહીં પણ માત્ર જ્યોતિને જ દામલની આંખો જાઇ રહી હતી. અને રોતલ એવી જ્યોતિનું સ્મિત દામલની આંખોની કીકીમાં જાણે કેદ થઇ ગયું. પરંતુ એ આંખોની કીકી આગળ આંસુનું પાતળું પડ આવી જતાં હવે જ્યોતિની છબી સાચે જ ધૂંધળી બની ગઇ હતી.
જ્યોતિ સાચે જ ચાલી ગઇ. ભારે હૈયે, મણ મણ વજનથી પણ ભારે થઇ ગયેલા પગ માંડ માંડ ઉપાડી ઉપાડીને દામલ ઘરે પહોંચ્યો. ઓસરીનાં પગથિયાં ચડી તે હિંડોળા પર એમ જ ફસકાઇ પડયો, સાથે જ તે રડવા પણ લાગ્યો. ખૂબ ખૂબ રડયો, તેણે તેનું આળું થઇ ગયેલું હૈયું સાવ છુટું મૂકી દીધું. આ સમયે તેનું અફાટ રૂદન જાવાવાળું કોઇ હાજર પણ ન હતું.
દામલ જાણે હવે દામલ નહોતો રહ્યો. તે જાણે કે અકાળે જ એક જીવતી લાશ બની ગયો હતો. ડાહ્યો ડમરો દામો હવે એક પૂતળું બની ગયો હતો. એ તો શૂન્યમનસ્ક થઇ ગયો. તેનું ચિત ચકરાવા લઇ રહ્યું હતું. હવે શું કરવું ? તેનું તેને કંઇ જ ભાન રહ્યું ન હતું. સતત ને સતત આવતા વિચારો જાણે ગુંઠિત થઇ છવાયા હતા. લાગતું હતું કે, પાગલપણાની અનેક નિશાનીઓ, અનેક સંકેતો તેના ચહેરા પર ચીતરાવા માંડયા હતા. (ક્રમશઃ)