અમરેલી જિલ્લાના સરસીયા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રામજી મંદિર ખાતેથી સાધુ-સંતો અને વરિષ્ઠ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિરાટ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસીયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માર્ગ પર આવતા તમામ શ્રધ્ધાળુઓ માટે મુસ્લિમ સમાજ દ્વારા શરબત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતોની ભૂમિ ગણાતા અને જ્યાં દુધાધારી બાપુની અસીમ કૃપા તેમજ શ્યામ સુંદર ભગવાન સાક્ષાત્ બિરાજમાન છે તેવા સરસીયા ગામમાં આ ભાઈચારાની પરંપરાએ સૌના દિલ જીતી લીધા હતા.આ પાવન પ્રસંગે ગામના ગૌરવ એવા લોક સાહિત્યકાર ભાભલુભાઈ ધાધલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત થયો છે. કાર્યક્રમના અંતે ગામના સરપંચ મંગળુભાઈ વાળા સહિતના વડીલ આગેવાનોએ શોભાયાત્રાના યુવા આયોજકોની કામગીરીને બિરદાવી હતી.