મહેસાણામાં સરપંચની ચૂંટણીમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. અફરોઝ અબ્બાસમિયા પરમાર નાની વયે સરપંચ બની જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહેસાણાના ગિલોસણ ગામના સરપંચની ચૂંટણીનો મુદ્દો હવે ગરમાયો છે. અફરોઝ પરમારની ઉંમર ૨૧ વર્ષ નથી, એ તંત્રને હવે ખબર પડી. ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં પોતાની ઉંમર ૨૧ વર્ષ બતાવી હતી. એલસીમાં જન્મ તારીખ ૦૭ જાન્યુઆરી ૨૦૦૫ છે. પરંતું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ ૮ ડિસેમ્બર ૨૦૦૪ છે. બંને જન્મતારીખમાંથી એકેયમાં ૨૧ વર્ષ પૂરા નથી થતાં. આમ, તેના જન્મને માત્ર ૧૯ વર્ષ અને ૮ મહિના જ થાય છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચનું સન્માન સમારોહનું આયોજન થવાનું છે. તે દરમિયાન યુવા સરપંચોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જિલ્લા પંચાયતના પંચાયત વિભાગે જ્યારે યાદી તૈયાર કરવા માટે અફરોજબાનુંનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવ્યું ત્યારે આ આખો ભાંડો ફૂટ્યો હતો.
આરઓ ઓફિસરની બેદરકારી સામે કાર્યવાહી કરવા ટીડીઓએ પ્રાંત અધિકારીને અહેવાલ મોકલ્યા છે. ઉમેદવારના ફોર્મની ચકાસણીમાં બેદરકારી દાખવનાર ચૂંટણી અધિકારી સામે કાર્યવાહી કરવા ટીડીઓએ પ્રાંત અધિકારીને અહેવાલ મોકલાયો.
આ વિશે મહેસાણા ટીડીઓ આશિષ પટેલે જણાવ્યું કે, ઉમેદવાર સરપંચ બની ગયા પછી ખબર પડી કે ઉંમર નાની છે. ૨૧ વર્ષ પૂરા થયા નથી છતાં સરપંચ બની ગયા છે. સમગ્ર મામલે મહેસાણા ટીડીઓએ તપાસ અહેવાલ પ્રાંતને સોંપ્યો છે. અહેવાલમાં બે અધિકારીઓની ભૂલ સામે આવી છે. તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જીગ્નેશ સોલંકીની ભૂલ સામે આવી છે. નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડવા ૨૧ વર્ષ પૂરા જાઈએ. ગિલોસણના સરપંચની ૨૧ વર્ષ ઉંમર પૂરી થવામાં ૬ થી ૭ મહિના બાકી છે. ૨૧ વર્ષ પૂરા થયા નહીં તેની વિગતો ફોર્મમાં છુપાવાઈ છે. સમગ્ર મામલે ચૂંટાયેલ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. ફોર્મમાં ખોટી વિગતો અપાઈ હતી.
નોંધનીય છે કે, સરપંચ બનવા માટે ૨૧ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે. કોઈપણ વ્યક્તિએ ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી ૨૧ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. ત્યારે ૧૯ વર્ષ અને ૮ મહિનાની ઉંમર ધરાવતી યુવતી કેવી રીતે સરપંચ બની ગઈ, આ મામલો હવે પેચીદો બન્યો છે.
યુવતીએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે, ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટેનું જે ફોર્મ હોય છે, તેમાં ક્્યાંય જન્મ તારીખ નહતી માંગી તેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો, જે મેં કર્યો છે.’