ગુજરાતમાંથી બે વસ્તુઓ સદંતર ગાયબ થઇ ગઈ છે. એક કિસાન નેતા, બીજું કિસાન સંગઠન. આજે આગેવાનના નામે હવાલદારો ગાંધીનગરમાં આંટા મારી રહ્યા છે. સિઝનલ આગેવાનો ખેડૂતો માટે ગ્રોસના ભાવે ઉપલબ્ધ છે, બસ નજીકમાં ચૂંટણી હોવી જોઈએ. કોઈપણ વર્ગ સરકાર કે અન્યાય સામે જયારે અવાજ ઉઠાવવા નીકળે ત્યારે પાયાની બે ત્રણ બાબતો જરૂરી હોય છે. એમાંની બે મુખ્ય છે, સંગઠન અને નેતા. જો પીડિત વર્ગ પાસે સંગઠન હોય, અને મજબૂત નેતા હોય તો અવાજ પહોચાડવો સરળ બની રહે છે. સરકારે સાંભળવું પડે છે. વિધાનસભાની અંદર કે બહાર હોય, કોઈ ફરક પડતો નથી. આજે સ્થિતિ એવી છે કે ખેડૂતો વતી સરકાર સાથે કે સામે બેસવા માટે કોઈ સર્વમાન્ય ચહેરો જ નથી. જે છે એ વ્યક્તિઓ અને પક્ષો લેભાગુ છે, ચૂંટણીઓ કે મુદ્દાઓ ટાણે પ્રગટ થઈને પોતપોતાના દરમાં પેસી જાય છે. સત્તાપક્ષના જે ખેડૂત નેતાઓ છે એણે શિસ્તની લાજ કાઢવી પડે છે. કુલ જીડીપીમાં આશરે પંદર ટકા અને રોજગારીમાં લગભગ ચાલીસ ટકા હિસ્સો ધરાવતા ક્ષેત્ર પાસે કોઈ સુગઠિત સંગઠન નથી. જે સંગઠનો છે એ સરકાર સાથે આગેવાનોની અંગત સોદાબાજી કરતા દગાખોર સંગઠનો છે. જેણે પાવડાનો હાથો ક્યારેય પકડ્યો નથી એવા વ્હોટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટો ખેડૂતોના ધરાર આગેવાન થવા હવાતિયા મારી રહ્યા છે.
ખેડૂતોએ સમજી લેવું પડશે કે આનો કાયમી ઉકેલ સોશિયલ મીડિયા પર નહિ આવે, રાજકીય પક્ષો મત માટે અને ન્યૂઝ ચેનલો ટીઆરપી માટે ગીધ દ્રષ્ટિથી જુએ એ સ્વાભાવિક છે. એ પોતાનો રોટલો શેકીને જતા રહેશે. પત્રકારો પણ પોતાની દુકાન સજાવવાના સામાન તરીકે ખેડૂતોના હામી થવાના બેનરો લગાવીને બજારમાં આવી જશે. ટીઆરપી બટોરીને ગલ્લો ગણી લેશે યા તો રાજકીય જમીન ફંફોસવા લાગશે અને કોઈ પક્ષના કાર્યાલયમાં આંટાફેરા કરીને ચૂંટણીમાં ઝંપલાવી નાખશે જો જીતશે તો નેતા બની જશે અને હારશે તો પોતાની યુ ટ્યુબ ચેનલ ખોલીને ગામને ગાળો ભાંડવા બેસી જશે. વિરોધ પક્ષ ચૂંટણી કેટલી દૂર છે, એ તીવ્રતાથી મુદ્દો ઉઠાવશે, જેમ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે, એમને ખબર છે કે ટૂંક સમયમાં સ્થાનિક પંચાયતોની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ તરફથી તો એ પણ ઓછું દેખાઈ રહ્યું છે. દરેક વિરોધ પક્ષ માટે આમ કરવું સ્વાભાવિક છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા એ ક્યાંય સાબિત કરવાની જરૂર ખરી ? ખાતર, બિયારણ, મજૂરી, પેસ્ટીસાઈડઝ, ખેતઓજારો કે ખેતીને લગતી કોઈપણ ચીજવસ્તુના ભાવ છેલ્લા દસ વર્ષમાં જેટલા વધ્યા છે, તેની સાપેક્ષે ખેતપેદાશોના ભાવ વધ્યા છે ? ‘જગતનો તાત’ શબ્દ રાજકારણે રાજકીય બનાવી દીધો છે. કોઈ રાજકીય પક્ષના હાથા બનવાના બદલે કાયમી ઉકેલ માટે ખેડૂતો દશ વર્ષ સંગઠિત થઈને અવાજ ઉઠાવે તો કઈક અંશે કુદરત સામે મુકાબલો થઇ શકે. ઉકેલ હાથ લાગવાની શક્યતા હજુ પણ રહેલી છે. તજજ્ઞો દ્વારા ખેતીની પ્રગતિ માટે જે ચર્ચાય છે એ ઉકેલો અમલીકરણમાં એટલા સહેલા નથી. કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ વિકસાવવી લગભગ શક્ય નથી, કારણકે જેની સામે બાથ ભીડવાની છે એ સામા છેડે કુદરત છે.
ખેતીમાંથી વંશ પરંપરાગત પેઢીનું પલાયન અન્ય એક મુખ્ય કારણ છે. ખેડૂતોની આજની પેઢીએ એક યા બીજા કારણોસર શહેર બાજુ રુખ કર્યા સિવાય છૂટકો નથી. જેના લીધે ખેતી કોણ સંભાળશે એ અંગે એક અનિશ્ચિતતા ઉભી થતી જાય છે. આજે મોટાભાગની ખેતી ભાગીદારો પર નિર્ભર છે. ભાગીદારો મળવા અનિશ્ચિત છે. જે વ્યવસાયમાં અનિશ્ચિતતા આવે ત્યારે ચારેબાજુથી જોખમ વધી જાય છે. ખેતી આકાશી રોજી છે. બાકી બધી જગ્યાએ કામનું વળતર નિશ્ચિત છે. નોકરિયાતોને પહેલા અઠવાડિયામાં ગત મહિનાનો પગાર નિયત સમયે નિયત રકમમાં જમા થઇ જવાનો છે. સરકારી કે ખાનગી બંને નોકરીમાં તમારા ખરાબ દેખાવ કે અપલખણ સિવાય કોઈ કાઢી મુકવાનું નથી. અનિશ્ચિતતાનું પ્રમાણ ખુબ ઓછું છે. ધંધામાં મંદીની અનિશ્ચિતતા જેવું ખરું, પણ સામે જોખમ ઉઠાવવાથી વળતર પણ ખુબ મોટું મળી રહે છે. ઘણા ધંધાદારીઓ થોડા વર્ષોમાં હરણફાળ પ્રગતિ કરી ગયાના ખુબ મોટા પ્રમાણમાં ઉદાહરણો મળી આવે છે. ખેતીમાં આ બંને સ્થિતિ નથી. જ્યાં સુધી પાક લણાઈને બજારમાં વેંચાઈ ન જાય ત્યાં સુધી એક ભયાનક અનિશ્ચિતતા ખેડૂતોના માથે ઝળુંબતી રહે છે.
આવકની ઉંચી અનિશ્ચિતતા અને વિકાસનો અત્યંત ધીમો દર આપણી ખેતીના મુખ્ય પરિબળો માંહેના બે છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ચાકરીનો ક્રમ ઉલટાઈ ગયો છે. ચાકરી એટલે કે નોકરી આજે પ્રથમ ક્રમે આવે છે, કારણ કે અનિશ્ચિતતાનું પ્રમાણ બીજાની સાપેક્ષે નહીવત છે. ખેતી ઉત્તમમાંથી કનિષ્ઠના સ્તરે પહોચી ગઈ છે. કારણ કે બીજા ક્ષેત્રોની સાપેક્ષે ખેતીની પ્રગતિ થઇ શકી નથી. હકીકત એ છે કે જે ઝડપે અન્ય વ્યવસાયોમાં આધુનિકીકરણ અમલી બની ગયું એ ઝડપે ખેતીમાં આવ્યું નથી. બીજા ક્ષેત્રોમાં મોંઘવારીની સાપેક્ષે વળતરનો દર વધ્યો છે. જે સંશોધનો બીજા વ્યવસાયોમાં થઇ રહ્યા છે, ખેતી તેના કરતા ઘણી પાછળ છે. ખેતીમાં નવા સંશોધનો લગભગ નહીવત છે. વિકસિત દેશોની તુલનાએ ભારતીય ખેતીની ઉત્પાદકતા અનેક ગણી નીચી છે. ભારતમાં ખેતપેદાશોની બજાર વ્યવસ્થા ઘણી ખામી ભરેલી છે. વાવણી કરે ત્યારે પેદાશની કિંમત અને વેચાણ થાય ત્યારે એ જ પેદાશની કિંમતનો અત્યંત મોટો તફાવત ખેડૂતની સમજ બહાર છે.
ક્વિક નોટ – ભારતીય ખેતીની કપાસની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વિશ્વની સરેરાશ ઉત્પાદકતા કરતા અર્ધી છે. જયારે ચીન, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ જેવા કપાસ ઉત્પાદક દેશો ભારત કરતા ચાર ગણું કપાસ ઉત્પાદન પ્રતિ હેક્ટર કરે છે.
production@infiniumpharmachem.com












































