કોઈપણ રાજકીય પક્ષ કે નેતાની કારકિર્દી જનમાનસ સાથે જોડાયેલા તંતુ પર આધાર રાખે છે. જ્યાં સુધી પ્રજાની મરજી છે ત્યાં સુધી સિંહાસન સ્થિર છે. જ્યાં સુધી આ તંતુ અકબંધ છે ત્યાં સુધી સત્તા ભોગવી શકાય છે. આ તંતુ સરકારની નીતિઓ અને છેવાડાના આદમી સુધી પહોચીને કામ કરવાની ક્ષમતા પર નિર્ભર રહે છે. જો શિર્ષસ્થ નેતૃત્વમાં ભરોસો કરતી જનતા એક વખત સ્થાનિક નેતાઓમાં અવિશ્વાસ કરતી થઇ જાય તો પણ પક્ષનો એક છેડાનો જનાધાર જતો રહે છે. પ્રજાને રોજેરોજ સ્થાનિક નેતાગીરી અને બ્યુરોક્રેસી સાથે નિસ્બત રહેવાની છે. એના માટે તેના ગામનો રસ્તો દેશની જીડીપી કે સ્પેસ મિશન કરતા અગત્યનો છે. કોઈ પક્ષ તમારી વિરુદ્ધમાં સારો દેખાવ કરીને સત્તા ઝુંટવી જાય એ દર વખતે જરૂરી નથી, તમારી કામગીરી કે નીતિ-રીતિથી ઉભા થયેલા સવાલો અને મુદ્દાઓ પણ તમારી સરકાર ગબડાવી શકે છે, જેમ હિન્દુત્વ વિરુદ્ધ કોંગ્રેસ. કોંગ્રેસે જેમ દાયકાઓ સુધી હિંદુ આસ્થાને અવગણીને ઠોકરો માર્યે રાખી અને આજે સરેરાશ હિંદુ કોંગ્રેસની સામે વોટ કરવા લાગ્યો તેમ ચાહે કેવી પણ બહુમતિ હોય, પ્રજાભાવનાની સતત અવગણના વોટબેંકમાં ઘટાડો કરી શકે છે. એક સમયે કોઈ જેમનું હરીફ નહોતું ત્યારે પણ પ્રજાએ ઇન્દિરા અને કોંગ્રેસને કટોકટી લાદવા બદલ મૂળસોતાં ઉખાડી ફેંક્યા હતા. કોંગ્રેસને એક સમયે લોકસભામાં ૪૦૪ જેવી અભૂતપૂર્વ બહુમતી હતી. સામા છેડે લગભગ કોઈ નહોતું, એ કોંગ્રેસ આજે ૫૦ થી ૧૦૦ની સંખ્યા વચ્ચે રેંગતી થઇ ગઈ છે. આવા કિસ્સામાં પ્રજાનો મત કે ભાવના એક એક્ઝોસ્ટ વાલ્વની જેમ કામ કરે છે, અમુક દબાણ સહન કરી લે છે, પણ દબાણ વધતા ચોક્કસ દબાણે વાલ્વ ખુલી જાય છે અને વધારાનું બધું પ્રેસર રીલીઝ કરી દે છે. વાલ્વ કેટલું પ્રેસર લઇ શકે છે એવી રાજકીય ચકાસણી કરવી મોટું જોખમ છે. રોમન સામ્રાજ્યનું પતન થયું ત્યારે સામ્રાજ્યના મહાલયોનો આરસ દળીને, જલાવીને સિમેન્ટ તરીકે વપરાઈ ગયો હતો.
આશરે ત્રણ દાયકાના સળંગ શાસન બાદ પણ સરકાર સામે એન્ટી ઇન્કમબન્સી ન વર્તાતી હોય તો એક કારણ પ્રજાનો ભરોસો અને સરકારની સારી કામગીરીને આભારી હોઈ શકે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે નબળી કામગીરીમાં આ સ્થિતિ કાયમી આમ જ રહેશે. વધુમાં વધુ સીટો વધુમાં વધુ જવાબદારીનો નિર્દેશ છે, અમર્યાદ સત્તા જેવો ખ્યાલ કદાચ ચોપડીઓમાં હશે, કાયમી અમલમાં રહી શકે નહિ. રાજાશાહીમાં રાજા ઉપર પણ રાજદંડ રહેતો, આ તો પરિપક્વ લોકશાહી છે. પ્રજા નાકે નાકે દંડ લઈને ઉભી છે. ભ્રષ્ટાચારનું સ્વરૂપ સરકારી પૈસાની ચોરીથી નિર્દોષ આમજનતાના મૃત્યુ સુધી પહોચી જાય તો એ ગમે તેવી તોતિંગ સરકારની નિષ્ફળતા છે.
મોરબીની એન્જીનીયરીંગ કોલેજના મેસબીલમાં થયેલ વધારા જેવી સામાન્ય ઘટના નવનિર્માણ જેવું આંદોલન પ્રગટાવી શકે છે અને ગુજરાતના સૌથી સક્ષમ આગેવાનને અઢી દાયકાનો રાજકીય વનવાસ આપી શકે છે. આ તો ગુજરાતમાં વિપક્ષ જેવું કશું બચ્યું નથી અને જે બચ્યું છે એ બગલમાં હાજરીનો ચોપડો ઘાલીને ફરતા મુકાદમોના એસોસિએશન જેવું છે, એટલે મોટા મુદ્દાઓ પણ માત્ર મીડિયા કે સોશ્યલ મીડિયામાં ગાજીને પુરા થઇ જાય છે. એક પણ વિપક્ષનો નેતા જો દાનતથી સરકાર વિરુદ્ધના મુદ્દાઓને લઈને શેરીઓ ગજવતો થઇ જાય તો સરકાર વિરુદ્ધ વાતાવરણ બગડતા સમય ન લાગે. પ્રજા વિફરે ત્યારે શું હાલ થાય છે એ ઈતિહાસ કોંગ્રેસનો તાજો જ છે.
જે ઈતિહાસમાંથી નથી શીખતા એણે ઈતિહાસ ફરીફરીને જીવવો પડે છે, કઈક આવું જ છે મોટા અકસ્માતોની બાબતમાં. ટૂંકાગાળામાં આટઆટલી માનવસર્જિત દુર્ઘટનાઓ બાદ પણ જો પ્રજા સરકારમાં ભરોસો મુકતી હોય તો એ ભરોસાનું ખૂન ન થઇ જાય એ જોવું પણ સરકારની જવાબદારી અને પુણ્યફરજ છે. આવા કિસ્સાઓમાં પ્રશાસન શૂન્યતા લગભગ દરેક મોરચે ડોકાઈ રહી છે. સત્તારૂઢનું કામ માત્ર સિંહાસનનો ચોથો પગ સ્થિર રાખવાનું નથી હોતું. ‘પાવર કરપ્ટસ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી.’ બધાને લાગુ પડે છે. કોંગ્રેસનો વર્તમાન ભાજપનું ભવિષ્ય હોઈ શકે છે. નરેન્દ્ર મોદીના નામે આખી જિંદગી વોટ નથી મળવાના અને બ્યુરોક્રેસી વોટ માંગવા નથી જવાની.
સરકાર શું હોય છે, એ વિશે સ્વ.ચંદ્રકાંત બક્ષીએ થોડી લાઈનો લખેલી, કદાચ આજે વધારે પ્રસ્તુત છે.
સરકારને કરોડ મોઢાં હોય છે, પણ એક આત્મા હોતો નથી, સરકાર અવાજની માલિક છે,
સરકાર વિચાર કરાવી શકે છે, સરકાર લેખકને લખાવી શકે છે, જાદૂગરને રડાવી શકે છે,
ચિત્રકારને ચિતરાવી શકે છે, ગાયકને ગવડાવી શકે છે, કલાકારને કળા કરાવી શકે છે,
એક હાથે તાળી પડાવી શકે છે, રવિવારને સોમવાર બનાવી શકે છે,
નવી પેઢીને જૂની કરી શકે છે, જૂનીને પૈસાદાર બનાવી શકે છે,
પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે, વીજળી વેચી શકે છે, ઈતિહાસ દાટી શકે છે,
અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે, સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે,
સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ, એક દિવસ એક દિવસ ગરીબની આંખ ફરે છે, અને પછી, સરકાર ફરે છે.
– ચંદ્રકાંત બક્ષી
ક્વિક નોટ — ફ્રેચ ક્રાંતિ બાદ સેન્ટ સાઈમને નેતૃત્વ અંગે પોતાના ખ્યાલ પ્રગટ કર્યા હતા. સાઈમને કહ્યું હતું કે “ક્રાંતિ બાદ આજે નેતૃત્વ સર્જક વર્ગના હાથમાં આવ્યું છે, જો ફ્રાંસના ત્રણ હજાર વૈજ્ઞાનિકો, ખેડૂતો, ઈજનેરો, શિક્ષકો, વેપારીઓ કતલ થઇ જશે તો ફ્રાંસ એક લાશની જેમ ઢેર થઇ જશે, પણ જો આની જગ્યાએ ત્રીસ હજાર ઉમરાવો, ધર્મગુરુઓ કે સરકારી અફસરો મરી જશે તો ફ્રાંસને કોઈ જ ફરક નહિ પડે.”