ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી અધિનિયમમાં કરવામાં આવેલા તાજા સુધારાને ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરાએ ઉમળકાભેર આવકાર્યો છે. તેમણે આ નિર્ણયને સમગ્ર સમાજના હિતમાં, પરિવારીક સંસ્કારોના સંરક્ષણમાં અને યુવાનોના સુખી ભવિષ્ય માટે ઐતિહાસિક સાબિત થનારો ગણાવ્યો છે. હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજ આગેવાનો અને માતા-પિતાઓ તરફથી “ભાગેડું લગ્ન” જેવી પ્રથાને અટકાવવા અને લગ્ન નોંધણી વખતે માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનાવવાની માંગ ઉઠતી હતી. રાજ્ય સરકારે આ લાગણીઓ અને માંગણીઓને સંવેદનાથી સમજીને કાયદામાં જરૂરી સુધારા કરી સમાજની ચિંતાઓને દૂર કરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને માતા-પિતાની જાણ અનિવાર્ય બનાવવાથી પરિવારની સંમતિ, સંવાદ અને વિશ્વાસ મજબૂત થશે.
વર્તમાન સમયમાં અનેક ગામોમાં કોઈ પણ આધાર પુરાવા વિના લગ્ન નોંધણીનું મોટું ગોલમાલનું રેકેટ ચાલતું હતું, જે આ કાયદાથી અટકાવી શકાશે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં જ્યાં પરિવારીક મૂલ્યોને વિશેષ મહત્વ અપાય છે, ત્યાં આ નિર્ણય ખૂબ જ લાભદાયી સાબિત થશે. ગુજરાત સરકારનું આ પગલું “પરિવાર પ્રાથમિકતા” અને “સંસ્કાર આધારિત વિકાસ”ના વિચારને વધુ મજબૂત બનાવે છે. સમાજમાં સુખ, શાંતિ અને સંકલન જળવાઈ રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ સંવેદનશીલ અને દુરંદેશી નિર્ણય બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવતા હિરેન હિરપરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સુધારો ભવિષ્યમાં સમાજ માટે કલ્યાણકારી અને માર્ગદર્શક સાબિત થશે.