સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવા સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરીને પત્ર લખાયો છે. કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકદેસર દબાણો તોડવા સામે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો છે.

ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં સરકારી જગ્યા પરના દબાણો કાચા અને ગરીબ વર્ગ દ્વારા કરવામાં આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ દબાણો તોડવા અંગે સરકારે નોટિસ આપી છે, એ નોટિસ પાછી ખેંચવા અને દબાણો ન તોડવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો.

તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ગરીબ લોકોના બદલે સરકારી જમીન પર ગુંડાઓ અને ભુમાફિયાએ કરેલા દબાણો દુર કરવામાં આવે. ખનીજ માફિયાઓએ કરેલા જમીન પર દબાણો સરકાર દૂર કરે. કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ગરીબ લોકોના દબાણો હટાવવા પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓ કરવાના કામ કરતા નથી અને ન કરવાના કામો કરે છે. અધિકારીઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા તે હું જાણું છું. અધિકારીઓના આ વલણ પ્રત્યે મારી નારાજગી છે. ચૂંટાયેલ પ્રતિનિધિની વાત પણ સાંભળવામાં નથી આવતી.

ધારસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પત્રમાં લખ્યું કે, સરકાર દ્વારા મારા વિસ્તારમાં દબાણો હટાવવાની જે નોટીસો આપેલ છે જેના અનુસંધાને જણાવવાનું કે સરકારી જમીનો પર નાના ગરીબ માણસો જેઓના બીપીએલમાં નામ નથી આવ્યા તેવા નાના લોકો કાચા-પાકા મકાનો કે ઝુંપડાઓ બનાવીને રહે છે તેમજ અમુક માલધારીઓ જે પશુઓ માટે વડીલોપાર્જિત વાડાઓ ધરાવે છે તે પશુપાલકો અને અમુક લોકો નાની મોટી કેબીન, ચાની લારી કે હોટેલ, લોજ વગેરે કરીને માંડ માંડ ધંધો રોજગારી મેળવી રહ્યા છે તે હકીકત છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં મારા વિસ્તારમાં કોઈ રોડ-રસ્તા, આરોગ્ય વિષયક, શૈક્ષણિક હેતુ વગેરે માટે કોઈ જમીનોનો ઉપયોગ કરવાનો નથી કે કોઈ વિકાસનું કામ કે કોઈ ડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી અને કોઈને કંઈ અડચણરૂપ પણ નથી તેવા ગરીબ અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી.

ઉપરાંત આપને ખાસ વિદિત થાય કે શહેરો અને મહાનગર પાલિકા વિસ્તારોમાં જમીનો કીમતી છે. ત્યાંની અને અહિંયાની પરિસ્થિતિ જુદી છે. આમ,ગામડાઓથી શહેરોની પરિસ્થિતિ અલગ હોય છે. અહીં બોર્ડર વિસ્તાર છે. રોજગારીના સહેજે વાંધા છે, માટે જો અહીં આવું કરવામાં આવશે તો ના છુટકે આ વિસ્તારનાં લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડેશે. તેમજ એક બાબત ખાસ જણાવવાની કે જો આ દબાણ કહેવામાં આવે છે તો અમારે તો જેમ પંચાયતીરાજ અમલમાં આવ્યું ત્યારથી આ ગામો રેવન્યુમાં ચડેલા નથી, તો શું આ આખે આખા ગામોને દબાણમાં ગણવા.?

તદુપરાંત વિશેષમાં જણાવવાનું કે જે મોટા ગુનેગારો છે અને પ્રજા તેમનાંથી ત્રસ્ત છે તેવા ગુનેગારોનું દબાણ હટાવવું વાજબી છે, પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેશ થયો હોય અને હાલે કોઈ કેશ બાકી ન હોય અને કેશો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનશીક ત્રાસ આપવો યોગ્ય નથી અને વ્યાજબી નથી. તેમજ ખાસ જણાવવાનું કે જે મોટા ખનીજચોરો છે તેઓની ખનીજયોરી બંદ કરાવવા અમો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંદ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ બિલ્ડીગો બનાવીને દબાણો કર્યા છે તે જમીનો ખુલી કરાવવી જરૂરી છે તેમજ મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ.! ત્યારે જે હોશિયાર માણસો છે તેવા લોકો તો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે પણ જે અણસમજુ અને નાના માણસો છે તેવા લોકો જ આવા દબાણો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. માટે કીડીના ચોરને ૩૦૨ અને હાથીનાં ચોરને પણ ૩૦૨..! ત્યારે કોઈક નાના માણસની મજબૂરીઓ પણ સમજવાની પણ આપણે કોશિશ કરવી જોઈએ અને આના માટે થોડું મંથન કરવું જોઈએ, માટે હાલમાં માન.

સરકાર દ્વારા મારા વિસ્તારમાં કોઈ ડેવલપ થવાનું ન હોય અને કોઈ નવું પ્લાનીંગ પણ કરવાનું નથી, તો ખોટી રીતે નોટીશો આપીને લોકોને માનશીક ત્રાસ ન આપવામાં આવે અને જયારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કનડગત કરે છે. નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય, અને અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે, ત્યારે અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલા છે અને મીટીંગો થઈ ચુકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે અને એક એ બાબત પણ નોંધનીય કે લોકોની મજબુરી અમે ન સાંભળીએ અને અમારી રજુઆત તમે ન સાંભળો તો ચુંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ મતલબ નથી.!