વાત સમાજની હોય ત્યારે રાજકારણ ન હોય. સમાજની પડખે હોય ત્યાં પક્ષ તરફ પીઠ ન ફેરવાય તેવું દરેક રાજકારણી સારી રીતે સમજે છે. આવામાં આદિવાસી સમાજના એક કાર્યક્રમમાં પક્ષ અને રાજકારણ ભૂલીને નેતાઓમાં એકતા જોવા મળી હતી. એટલું જ નહિ, દિગ્ગજ નેતાઓ રાજકારણ ભૂલીને જનતા વચ્ચે જમીન પર બેસેલા જોવા મળ્યા હતા.

આદિવાસી સમાજમાં ફરી એકવાર એકતાનો સંદેશ જોવા મળ્યો. મહુવા તાલુકાના દેડવાસણ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજન નેતાઓ એક મંચ પર એકસાથે દેખાયા. કોંગ્રેસ, આપ, ભાજપના ધારાસભ્યો એકસાથે સમાજના લોકો સાથે જમીન પર બેસેલા જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાએ ચૈતર વસાવા, અનંત પટેલને સમાજના સિંહ’ કહીને સંબોધ્યા હતા.

સુરત જિલ્લા ના મહુવાના દેડવાસણ ખાતે યોજાયેલા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની એકતા રાગીતા છલકાઈ. મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આદિવાસી ભાષા સંસ્કૃતિ જાળવી રાખવા સમાજના લોકોને અપીલ કરી. સંસ્કૃતિ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત પરિધાન સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહુવા ધારાસભ્ય મોહન ધોડિયાએ સ્ટેજ પરથી ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલના સ્ટેજ પરથી વખાણ કર્યા.

આ પ્રસંગે મોહન ધોડિયાએ કહ્યું હતું કે, “હું સરકારમાં રહીને કામ કરું છું, જ્યારે ચૈતરભાઈ અને અનંતભાઈ સરકાર સામે ઊભા રહી કામ કરે છે.” તેમણે ત્રણેય નેતાઓને “ત્રણ સિંહ” કહીને આવકાર્યા. મોહન ધોડિયાએ સમાજને ભાષા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે આજકાલ લોકો પોતાની ભાષા ભૂલી રહ્યા છે, પરંતુ જ્યાં રહે ત્યાં પોતાની ઓળખ અને સંસ્કૃતિ ભૂલવી ન જાઈએ. સમાજ માટે જ્યાં જરૂર પડશે ત્યાં એકતાથી કામ કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે પણ સ્ટેજ પરથી મોહન ધોડિયાના વખાણ કર્યા હતા. સમાજના હક-અધિકાર માટે પક્ષ પાર્ટીથી પર થઈને સમાજના આગેવાનો એક થઈને આગળ આવવા માટે હાંકલ કરવામાં આવી હતી.

આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી આદિવાસી પરંપરાગત પરિધાન સાથે આગેવાનો સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે સામાજિક તજજ્ઞો દ્વારા સામાજિક મુદ્દો પર વિશ્લેષણ કરવા સુચન કરાયું હતું. તેમજ આદિવાસી સમાજની ભાષા, લુપ્ત થતી પરંપરો પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.