ગયા જન્મમાં “વનના તે મોરલા મારીયા” હશે તેના જ નસીબમાં “સન ઓફ સરદાર ૨” જોવાનું લખ્યું હોય.
ફિલ્મમાં જસ્સી (અજય દેવગણ) નામના એક હીરોની એવી વાત છે કે એને એની પત્ની છોડીને ચાલી ગઈ છે. પોતાનું કંઈક ઠેકાણું પાડવા જાય એ પહેલા એનું ઠેકાણું એવી સ્ટોરીમાં પડી જાય છે કે એણે બીજા એક યંગ કપલના લગ્ન કરાવી આપવાના છે. એક પાકિસ્તાની પરિવાર અને ભારતીય પરિવાર લગ્ન કરવા અને ન કરવા મામલે આમને સામને છે. છોકરા-છોકરીને એક કરવા માટે જસ્સી એક ડમી પાત્ર બને છે. ધીરે ધીરે બોર કરતી કરતી આ સ્ટોરી એવી રીતે આગળ વધે છે કે અંતે સૌ સારાવાના થાય છે અને દર્શકના ભેજાનું વ્યવસ્થિત રીતે દહીં થઈ જાય છે. ૨૦૧૨માં આવેલી “સન ઓફ સરદાર” નો ગળ્યો ગળ્યો લાગતો અજય દેવગણ “સન ઓફ સરદાર ૨”માં ગયો ગયો લાગે છે. ઠીક છે એણે અભિનય સારો કર્યો છે પણ ફિલ્મની વાર્તા અને સ્ક્રીન પ્લે એટલા બધા સખ્ખળડખ્ખળ છે કે અહીંયા તે સાવ ઘૂઘો લાગે છે. ડાયરેક્ટર વિજયકુમાર અરોરા કે પ્રોડ્યુસર અજય દેવગણ જો આને કોમેડી કહેતા હોય તો એ બંનેએ બે બાય બે ઇંચની ત્રિકોણાકાર વાટકી લઈને તેમાં પાણી ભરીને ડૂબી મરવું જોઈએ. ફિલ્મમાં તનિષ્ક બાગચી સહિત ૮ ત્રાસવાદીઓએ એવું સંગીત આપ્યું છે કે એના વિશે મારે કંઈક કહેવું જ નથી. પણ આ સંગીત વિશે બુબુલાલ કહે છે કે આ સંગીત ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. વડાપ્રધાન મોદી સર્જીકલ સ્ટ્રાઈક અને સરહદ ઉપર સશસ્ત્ર સૈનિકોનો જમાવડો કરવાના બદલે પાકિસ્તાન સાથે સંકળાયેલી આખે આખી બોર્ડર ઉપર ૫૦-૫૦ મીટરના અંતરે મોટા મોટા સ્પીકર ગોઠવીને તેમાં મોટા મોટા અવાજે “સન ઓફ સરદારના ૨”ના ગીતો વગાડે તો ત્રાસવાદીઓની હિંમત નથી કે તેઓ ભારતમાં ઘૂસવાનું સાહસ કરી શકે.
૨૦૧૮માં આવેલી શશાંક ખૈતાન દિગ્દર્શિત “ધડક” ફિલ્મ સુપર-ડુપર હતી અને એમાં ઈશાન ખટ્ટર અને જાનવી કપૂરનો અભિનય એકદમ જાલીમ હતો. છ કે સાત વર્ષ પછી એ જ ઝી સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન શાજીયા ઈકબાલના દિગ્દર્શનમાં સિદ્ધાંત ચતુર્વેદી, તૃપ્તિ ડીમરી જેવા નવાણિયા કલાકારોને લઈને “ધડક ૨” લઈને આવે, તો આપણે તો ભોળા રહ્યા, એટલે ધડક દઈને ફિલ્મ જોવા જઈએ. પણ ભાઈ હવે ભોળાનો ભગવાન પણ નથી. ફિલ્મમાં સો ટકા અંટાઈ ગયા છીએ. સ્ટોરી, દિગ્દર્શન કે સમગ્ર ફિલ્મોગ્રાફી વિશે કઈ વાત કરવા જેવું નથી. સનાતન સમાજ ઊંચનીચના જે ભેદભાવ દરિયામાં દફનાવીને બેઠો છે એ ભેદભાવના ભેદભાવના મડદાં ઉખેળવામાં જાણે કે શાજીયા ઈકબાલને બહુ જ મજા પડતી હોય એ રીતે એક દલિત છોકરો ઉચ્ચ વર્ણની છોકરીના પ્રેમમાં પડીને એને પરણી જાય છે એવી વાર્તા છે. દિગ્દર્શકનો બદઇરાદો આપણે જતો કરીએ તો પણ ક્રાફ્ટ્સમેનશિપની દ્રષ્ટિએ પણ આ ફિલ્મ વાડમાં નાખી દેવા જેવી છે; કાંઈ લઈ લેવાનું નથી. ઊંચી જ્ઞાતિ અને નીચી જ્ઞાતિના ભેદભાવનો મુદ્દો અને નીચી જ્ઞાતિનો છોકરો ઊંચી જ્ઞાતિના પરિવારની છોકરીના પ્રેમમાં પડે છે એવી વાર્તા તો “ધડક” (૨૦૧૮)માં પણ હતી. તેમ છતાં એમાં ફિલ્મકારનો કોઈ બદઇરાદો દેખાતો ન હતો. એટલું જ નહીં, ક્રાફ્ટ્સમેનશિપની દ્રષ્ટિએ આ ફિલ્મ એકદમ જાલીમ અર્થાત જોરદારના પેટની હતી. “ધડક” (૨૦૧૮)નો વાર્તાનો અણધાર્યો અંત અને સુંદર મજાના સુસ્વાટા કરતું સંગીત આજે પણ ભુલાતું નથી.
અને “અંદાજ ૨” કેટકેટલી વાર્તાઓનો સંભોગમેળો? ફિલ્મ જોતી વખતે આપણને એમ થયા કરે કે આપણે ૧૯૮૦ના દાયકામાં જીવી રહ્યા છીએ કે શું? ક્યારેક એમ વહેમ પડે કે આ લોકોએ એકતા કપૂરની સિરિયલ બેઠે બેઠી તફડાવી લીધી છે કે શું? ૨૦૦૩માં આવેલી અક્ષય કુમાર સ્ટારર “અંદાજ” ફિલ્મના પ્રોડ્યુસર સુનીલ દર્શન હતા અને તેનું દિગ્દર્શન રાજ કવરે કર્યું હતું અને ફિલ્મ બેશક ટોપના પેટની હતી. લારા દત્તા અને પ્રિયંકા ચોપરાને બોલિવૂડમાં પહેલી પહેલી પાપા પગલી કરાવનાર સુનીલ દર્શન છે. આ વખતે દર્શન એક હિરો આયુષ કુમાર અને બે હિરોઈન, એક અકૈશા અને બીજી કોઈ ફલાણી ઢીકણી ફર્નાન્ડીઝને નવેનવાં લાવી રહ્યા છે. એટલે આપણને દર્શન શું દર્શન કરાવે છે એ જાણવામાં પણ રસ હોય. એટલે આપણે “અંદાજ”નો બીજો ભાગ જોતા પહેલા જરા પણ ડરીએ નહીં. પણ આ અંદાજ ખોટો પડ્યો. ફિલ્મની વાર્તા, સંગીત અને આખે આખું ડિવોરેશન એટલું બધું ખખડધજ છે કે ફિલ્મ જોતી વખતે આપણા દિમાગ ઉપર કંટાળાના પોપડા ખર્યા કરે છે. વાર્તા વિશે કોઈ વાર્તા કરવા જેવું જ નથી. બસ હીરો અને હિરોઈન બંને હીરો-હિરોઈન હોવાને લીધે જન્મથી જ મહાન છે. અને બાકીના બધા પાત્રો પણ એક પછી એક મહાન બનવામાં જ આપણા મગજની હજામત કર્યા કરે છે. ભાઈ મહાન બને છે, બહેન મહાન બને છે, મમ્મી તો મહાન હોય જ, પણ આપણને કંઈક અંશે અ-મહાન લાગે એવા હીરોના પરમ પૂજ્ય પિતાશ્રી પણ મહાન બને છે. ફિલ્મમાં એક હીરો બે સગી બેનના પ્રેમમાં પડે છે એવી વાર્તા છે. અને એમાં એક બહેન હીરો પાસે પરાણે પ્રેમ કરાવે છે અને તે વિલન જેવી લાગે છે એટલે આપણને આશા હોય કે એ ફિલ્મમાં કંઈક સારું કામ કરશે કારણ કે સારા કામ તો વિલનના જ હોય. પણ આ ખરાબ બહેન પણ છેલ્લે છેલ્લે મહાન બની જાય છે. એટલે કે એક સારું કામ કરીને વાર્તાને વધુ ખરાબ બનાવે છે. આપણને તો બીક લાગે છે કે છેલ્લે એન્ના યેડા (મુકેશ વર્મા) પણ મહાન બની જશે? પરંતુ સારું છે કે એ મહાન બનતો નથી. ફિલ્મમાં અંતે એની લાશ મળે છે એટલે કે થિયેટરમાં આપણી લાશ મળતી નથી. ફિલ્મ નથી તો પ્રેમી પ્રેમિકાની રહેતી, નથી બાપ-દીકરાની રહેતી, કે નથી મા-દીકરાની રહેતી, કે નથી ભાઈ-બહેનની રહેતી. બધા જ પ્રકારની ખીચડીઓ એક થાળીમાં પીરસવા જતાં સુનીલ દર્શને એક ખતરનાક ખીચડો બનાવી દીધો છે.
બાય ધ વે અગાઉની હિટ થયેલી એક ફિલ્મનું નામ વટાવવા માટે ત્રણેય ફિલ્મકારોએ નવી ફિલ્મ આગળ માત્ર બગડો લગાડીને જૂની ફિલ્મના નામે ચરી ખાવાનું પસંદ કર્યું છે.આવા બે નંબરના ધંધા કરવાને બદલે ફિલ્મને અલગ એટલે કે સ્વતંત્ર નામ પણ આપી શકાયા હોત. ત્રણેય ફિલ્મોને દર્શકોએ પણ ભાવ આપ્યો નથી. બે નંબરના ધંધા નડે જ. ત્રણેયના બગડા બગડી ગયા છે. હજી એક બગડો આવી રહ્યો છે – “વોર ૨”. થાય ઇ ખરું !
naranbaraiya277@gmail.com