કિમ જોંગ ઉન ફરી વર્તાયો છે.
ભારતમાં કોરોનાની મોંકાણ નવેસરથી મંડાઈ છે તેથી છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસ સિવાય બીજા કોઈ સમાચાર જ નથી. દુનિયાના બીજા દેશોમાં કોરોનાએ રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે તેથી આખી દુનિયા કોરોના વાયરસ પર કેન્દ્રિત થઈ ગઈ છે. આપણે ત્યાં પણ કોરોનાના કેસો વધવા માંડ્‌યા જ છે પણ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી છે તેથી કોરોના મામલે કેન્દ્ર સરકાર બહુ ગંભીર નથી ને રાજકીય પક્ષો પણ કોરોનાને કોરાણે મૂકીને ચૂંટણીના દાવપેચમાં લાગી ગયા છે. લોકોને પણ ચૂંટણી અને કોરોનામાં રસ છે તેથી દુનિયામાં શું બની રહ્યું છે એ વિશે લોકો અજાણ છે.
દુનિયામાં બહુ બધું બની રહ્યું છે ને તેમાં મહત્વની ઘટના ઉત્તર કોરીયાએ કરેલું મિસાઈલ પરીક્ષણ છે.
ઉત્તર કોરીયાએ નવા વરસના પહેલા દિવસે જ હાયપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરેલું. એ પછી પંદર દિવસના ગાળામાં કિમ જોંગ ઉને બીજી બે વાર હાયપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરીને સોપો પાડી દીધો છે. હાયપરસોનિક મિસાઈલ અત્યાધુનિક મનાય છે. હાલમાં અમેરિકા, રશિયા અને ચીન એ ત્રણ દેશો પાસે જ હાયપરસોનિક મિસાઈલ છે તેથી આ ઘટના બહુ મોટી છે. હાયપરસોનિક મિસાઈલ અવાજ કર્યા વિના ગમે ત્યાં ત્રાટકી શકે છે ને ડીટેક્ટ કે ઈન્ટરસેપ્ટ કર્યા વિના ટાર્ગેટને ઉડાવી દે છે. જાપાન, ભારત, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો હજુ હાયપરસોનિક મિસાઈલ વિકસાવવા મથી રહ્યાં છે ત્યારે કિમે એ મિસાઈલ બનાવી પણ દીધાં તેથી દુનિયામાં ફફડાટ છે.
વાંદરાના હાથમાં અસ્ત્રો આવી ગયો હોય એવી હાલત છે.

કિમ જોંગ ઉન દુનિયાને ખતમ કરી નાંખવા તરફ આગળ વધી રહ્યો છે ?
ઉત્તર કોરીયાના હાયપરસોનિક મિસાઈલ પરીક્ષણ પછી આ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. તેનું કારણ જોંગનું સનકીપણું છે.
ઉત્તર કોરીયા બહુ નાનો દેશ છે. ઉત્તર કોરીયાની વસ્તી માત્ર અઢી કરોડ છે. મતલબ કે આપણા ગુજરાતની વસ્તીના અડધા કરતાં ય ઓછી છે પણ જોંગ સનકી છે તેથી તેણે મોટું લશ્કર જમાવ્યું છે. આટલી ઓછી વસ્તીવાળા દેશના લશ્કરમાં જવાનોની સંખ્યા ૧૨ લાખની છે. દુનિયામાં ચીન, અમેરિકા અને ભારત પછી સૌથી મોટા લશ્કરમાં ઉત્તર કોરીયાનો ચોથો નંબર આવે.
ઉત્તર કોરીયાની માથાદીઠ આવક સાવ ઓછી છે. દેશમાં કોઈ મોટા ઉદ્યોગો નથી, કોઈ વિકાસ નથી પણ જોંગ સનકી છે તેથી લશ્કરી તાકાત ભેગી કરીને આખી દુનિયાને ઉપર નીચે કરે છે. અમેરિકા દુનિયાનો દાદો છે ને કિમ તેની દાદાગીરીને સ્વીકારતો નથી તેથી અમેરિકા સાથે તેને સતત સંઘર્ષ થયા જ કરે છે.
અમેરિકાને પાઠ ભણાવવા માટે એ મથ્યા કરે છે. અમેરિકાને પાઠ ભણાવવાના ઝનૂનમાં એ નવાં નવાં શસ્ત્રો બનાવતો જ જાય છે. સત્તાવાર રીતે ઉત્તર કોરીયા પાસે પરમાણુ શસ્ત્રો નથી પણ અંદરખાને જોંગે પરમાણુ બોમ્બ બનાવી લીધો હોવાનું કહેવાય છે. હવે તેણે હાયપરસોનિક મિસાઈલ બનાવતાં તેના ઈરાદા વિશે શંકા થવી સ્વાભાવિક છે.
કિમને અમેરિકાને પછાડવાના અભરખા છે.
અમેરિકા વિશ્વમાં સૌથી મોટી લશ્કરી તાકાત છે. તેની સામે કોઈ પડે તેને એ ના છોડે. કિમ જોંગ ઉન અમેરિકા પર કબજો કરવાનાં સપનાં જુએ છે ને એ માટે ગમે તે કરી શકે. સામે અમેરિકા પણ તેનો એવો જવાબ આપે જ એ જોતાં બંને ઝગડે તો દુનિયા ખતમ થઈ જ જાય.

કિમ જોંગને અમેરિકા સામે દાદાગીરીનો વારસો તેના બાપા ને દાદા પાસેથી મળ્યો છે.
દુનિયાના અમેરિકાને ગણકારતા નથી ને ગાંઠતા પણ નથી એવા ગણતરીના દેશોમાં ઉત્તર કોરીયા એક છે. સોવિયેત રશિયાનો દબદબો હતો એ વખતે રશિયાના પડખામાં ભરાયેલા દેશો અમેરિકા સામે શિંગડાં ભેરવતા પણ રશિયાના પતન પછી બધા દેશો અમેરિકાને પગે પડી ગયા. ક્યુબા ને વેનેઝુએલા જેવા દેશો હજુ અડીખમ છે ને અમેરિકાને ગાંઠતા નથી પણ સામે અમેરિકાને ભાંડતા પણ નથી. કિમ જોંગ તો અમેરિકાને ભાંડે પણ છે ને તેની સામે ઘૂરકિયાં પણ કર્યા કરે છે.
કિમને તેના પિતા-દાદા આ બધું શીખવતા ગયા છે.અત્યારે ઉત્તર ને દક્ષિણ એમ બે કોરીયા છે પણ પહેલાં કોરીયા એક જ હતું. કોરીયા પર બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનનું પ્રભુત્વ હતું. વિશ્વયુધ્ધ સમાપ્ત થયું પછી જાપાનની હાર થતાં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ કોરીયા જાપાનની પકડમાંથી આઝાદ થયું. એ વખતે કોરીયાના બે ભાગ થયા. ઉત્તર ભાગ પર સોવિયેત રશિયાનો કબજો થયો ને દક્ષિણ ભાગ પર અમેરિકાનો કબજો થયો. રશિયાના પીઠ્ઠુ જેવા સામ્યવાદીઓએ ઉત્તર ભાગમાં પોતાની સરકારની સ્થાપના કરવાની જાહેરાત કરી જ્યારે દક્ષિણ કોરીયા અમેરિકા પાસે રહ્યું. એ રીતે એક જ દિવસે ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયા બંને અસ્તિત્વમાં આવ્યાં.
જાપાન બીજા વિશ્વયુધ્ધ પછી અમેરિકાનું તાબેદાર થયું તેથી જાપાનના પ્રભુત્વનો પ્રશ્ન જ મટી ગયો હતો. અમેરિકાને બીજા દેશો પર સીધો અંકુશ રાખવામાં રસ નહોતો તેથી તેણે દક્ષિણ કોરીયાને ૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ આઝાદ કરીને લોકશાહીની સ્થાપના કરાવી. બીજી તરફ ઉત્તર કોરીયામાં સામ્યવાદી ઘૂસી ગયા તેથી ત્યાં કદી લોકશાહી ના સ્થપાઈ. કોલ્ડ વોરના દિવસોમાં ઉત્તર કોરીયાએ દક્ષિણ કોરીયા પર આક્રમણ કરીને દક્ષિણ કોરીયા પર કબજો કરેલો પણ અમેરિકાની આગેવાનીમાં યુનાઈટેડ નેશન્સના લશ્કરે વળતો હુમલો કરીને એ પ્રદેશ પાછો મેળવ્યો ને ઉત્તર કોરીયા પર કબજો કરીને છેક ચીનની સરહદ સુધી પહોંચી ગયું. એ વખતે ચીન ઉત્તર કોરીયાની મદદે આવતાં વિશ્વયુધ્ધનો ખતરો પેદા થઈ ગયો હતો. પછી સમાધાન થયું ને બીજા વિશ્વયુધ્ધ પછી નક્કી થયેલી સરહદ પ્રમાણે પ્રદેશો પાછા અપાયા.
કિમ જોંગના દાદા કિમ ઉલ સંગ સામ્યવાદી શાસનમાં આગળ પડતા હતા તેથી તેમનું વર્ચસ્વ પહેલેથી હતું. ધીરે ધીરે એ વર્ચસ્વ વધારતા ગયા ને પછી ગાદી પર બેસી ગયા. વર્કર્સ પાર્ટી ઓફ કોરીયા પર કબજો કરીને તેમણે સત્તા કબજે કરી લીધી. કિમ ઉલ સંગે ૧૯૭૨થી ૧૯૯૪ સુધી ને તેમના દીકરા કિમ જોંગ ઈલ બીજાએ ૧૯૯૪થી ૨૦૧૧ સુધી રાજ કર્યું.
હવે તેમનો દીકરો સરમુખત્યાર છે.આમ ઉત્તર કોરીયામાં આ ખાનદાનનું છેલ્લાં ૪૬ વર્ષથી રાજ છે.કિમના પરિવારે ઉત્તર કોરીયાને બરબાદ કરી નાંખ્યું છે.
અત્યારે ઉત્તર કોરીયા બદહાલીમાં સબડે છે. દુનિયાના સૌથી પછાત દેશોમાં ઉત્તર કોરીયાની ગણના થાય છે. બેકારી, ભૂખમરાના કારણે લોકોની હાલત ખરાબ છે પણ કિમ જોંગને તેની કંઈ પડી નથી. જોંગ લશ્કરી તાકાત જમાવીને અમેરિકાને પછાડીને દુનિયાનો દાદો બનવાનાં સપનાં જોયા કરે છે. અમેરિકા સાથે સતત સંઘર્ષ કર્યા જ કરે છે. અમેરિકાએ ઉત્તર કોરીયાને નમાવવા બહુ મથામણ કરી છે પણ કિમ જોંગ ગાંઠ્‌યો નથી. અમેરિકાએ કિમનો કાંટો કાઢવા પણ બહુ મથામણ કરી પણ ફાવ્યું નથી.
આ પરિવારના શાસને ઉત્તર કોરીયાને બદનામ અને બરબાદ કરી દીધું છે.
ઉત્તર કોરીયા નહિ પણ અમેરિકા સહિતના દેશો પણ કિમના મોતની રાહ જોઈને બેઠા છે. બે વર્ષ પહેલાં અચાનક કિમ ઉન જોંગ જાહેરમાં દેખાતો બંધ થઈ જતાં સૌને આશા જાગી હતી પણ એ આશા ઠગારી નિવડી.
કિમ જોંગ ઉન પર મગજની સર્જરી કરાઈ હોવાના અહેવાલ હતા. આ સર્જરી નિષ્ફળ જતાં કિમ બ્રેઈન ડેડ થઈને કોમામાં જતો રહ્યો હોવાના પણ સમાચાર હતા. એવું પણ કહેવાતું હતું કે, કિમ ગમે ત્યારે ઉકલી જશે. ઉત્તર કોરીયા કિમ જોંગ પરિવારની સલ્તનત છે. કિમે લશ્કરની મદદથી ઉત્તર કોરીયાને અભેદ્ય કિલ્લો બનાવ્યો છે તેથી ત્યાં શું ચાલે છે તેની કોઈને ખબર પડતી નહોતી. જાહેરમાં જોંગ દેખાતો નહોતો તેથી આ વાત સાચી હોવાનું સૌ માની બેઠેલાં.
કિમ જોંગ ઉનના દાદા કિમ સુંગ બીજાની ૧૫ એપ્રિલે જન્મજયંતિ હતી. એ દિવસ ઉત્તર કોરિયામાં ધામધૂમથી મનાવાય છે. દર વર્ષે કિમ જોંગ મુખ્ય સમારોહમાં મહેમાન બનતો હતો. ૨૦૨૦માં એ દેખાયો નહીં તેના કારણે આ વાતો વહેતી થઈ હતી. છ મહિના લગી આ અફવા ચાલી પછી અચાનક કિમ ફરી જાહેરમાં દેખાતાં સૌની આશા પર પાણી ફરી વળેલું.

કિમ એ પછી વધારે તાકાતથી મચી પડ્‌યો છે.કિમની બહેન કિમ યો જોંગ તેને આ મિશનમા મદદ કરે છે. ઉન માત્ર ૩૬ વર્ષનો છે ને તેનાં સંતાનો નાનાં છે. તેની પત્ની રી-સોલ જુને રાજકારણમાં ગતાગમ પડતી નથી. ઉન-સોલ જુને ત્રણ સંતાનો છે પણ એ બહુ નાનાં છે. બંનેનાં લગ્ન ૨૦૦૮માં થયેલાં ને ૨૦૧૦માં તેમને પહેલો દીકરો જન્મ્યો. તેની વય હજુ બાર વર્ષ પણ નથી તેથી એ ઉનની જગા લઈ શકે તેમ નથી.આ કારણે કિમે પોતાની બહેનને આગળ કરી છે.કિમ યો જોંગ ૩૧ વર્ષની છે અને પિતા જીવતા હતા ત્યારથી રાજકીય રીતે સક્રિય છે. કિમ યો ૨૦૧૦માં પહેલી વાર વર્કર્સ પાર્ટી ઓફ કોરીયાના સંમેલનમાં જાહેરમાં દેખાઈ પછી સતત સક્રિય રહી છે. વર્કર્સ પાર્ટી કોરીયાની જુનિયર કેડરથી કારકિર્દી શરૂ કરનારી કિમ યો જોંગ અત્યારે વર્કર્સ પાર્ટીની ઉપપ્રમુખ છે.કિમ યો તેના ભાઈ કિમ જોંગની બિન સત્તાવાર સલાહકાર છે.
આ ભાઈ-બહેનની જોડી દુનિયાને ખતમ ના કરી નાંખે એવી પ્રાર્થના અત્યારે સૌ કરી રહ્યાં છે.