સાવરકુંડલા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ અને અગાઉની આગાહીને પગલે સાવરકુંડલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા શ્રમિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે યાર્ડમાં ખેત જણસોની આવક બંધ થઈ ગઈ છે, જેના લીધે અંદાજે ૧૦૦ જેટલા શ્રમિકોને કામ અને મજૂરી મળવાનું બંધ થઈ ગયું છે.
છેલ્લા પાંચ દિવસથી કામ ન મળતા આ શ્રમિકોની હાલત કફોડી બની છે. માર્કેટિંગ યાર્ડના મજૂર એસોસિએશનના પ્રમુખ અને અન્ય આગેવાનો વરસાદ બંધ થવાની અને ફરીથી રોજગારી શરૂ થવાની આશા રાખી રહ્યા છે. વરસાદના કારણે કામકાજ ઠપ્પ થઈ જતાં શ્રમિકો માટે હડતાળ જેવું વાતાવરણ સર્જાયું છે અને તેઓ હવે મોસમ સુધરવાની પ્રાર્થના કરી રહ્યા છે.