ધન, દોલત અને વૈભવ જીવનને સુવિધાજનક બનાવે છે, પરંતુ સંસ્કારો જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. જે ઘરમાં સંસ્કારની સુગંધ હોય, તે ઘર ક્યારેય ગરીબ ગણાતું નથી. કારણ કે સાચી શ્રીમંતાઈ પૈસામાં નહીં, સંસ્કારમાં વસે છે. સંસ્કાર એ એવી મૂડી છે, જે વારસામાં મળે છે અને જીવનભર સાથે રહે છે. બોલવાની ભાષા, વડીલો પ્રત્યે આદર, નાના પ્રત્યે સ્નેહ, સત્ય બોલવાની હિંમત અને ખોટું ન કરવાની દૃઢતા આ બધું સંસ્કારની ઓળખ છે. ગુમાવેલ પૈસા તો ફરી કમાઈ શકાય છે પરંતુ સંસ્કાર ગુમાવાય તો જીવન અશાંત બની જાય છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં ભૌતિક સુખની દોડ વધતી જાય છે. લોકો મોટું ઘર, મોટી ગાડી અને ઊંચો હોદ્દો મેળવવામાં વ્યસ્ત છે. પરંતુ જ્યારે સંસ્કારનો અભાવ દેખાય છે, ત્યારે આ બધો વૈભવ પણ નિરર્થક લાગે છે. સંસ્કાર વગરની સફળતા ક્ષણિક હોય છે, જ્યારે સંસ્કાર સાથેની સફળતા દીર્ઘકાલીન બની રહે છે.
સંસ્કારની શ્રીમંતાઈ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. સંકટના સમયે ધીરજ રાખવી, સફળતામાં નમ્ર રહેવું અને નિષ્ફળતામાં હિંમત ન હારવી, આ બધું સંસ્કારથી જ શક્ય બને છે. સંસ્કાર ધરાવનાર વ્યક્તિ જ્યાં જાય ત્યાં માન, વિશ્વાસ અને સન્માન આપમેળે મેળવે છે. સમાજ પણ એવા જ લોકો સાથે ઊભો રહે છે, જેઓ સંસ્કારથી સમૃદ્ધ હોય.
સંસ્કારી વ્યક્તિ માત્ર પોતાનું જીવન નહીં, પરંતુ આસપાસના અનેક જીવનને પણ ઉજાસ આપે છે. તેથી સંતાનોને સૌથી મોટો વારસો જો આપવો હોય, તો સંપત્તિ કરતાં પહેલા સંસ્કાર આપો. એક નાનું ઉદાહરણ જોઈએ. બે વ્યક્તિઓ બસમાં મુસાફરી કરી રહ્યા છે. એક વ્યક્તિ પાસે મોંઘો મોબાઇલ, બ્રાન્ડેડ કપડાં છે, પરંતુ વૃદ્ધ અને અશક્ત વ્યક્તિ ચડે ત્યારે બેઠા બેઠા નજર ફેરવી લે છે. બીજી તરફ, સામાન્ય કપડાં પહેરેલો યુવાન તરત ઊભો થઈને કહે છે કે “બેસો કાકા.” આ એક ક્ષણમાં જ નક્કી થઈ જાય છે કે સાચી શ્રીમંતાઈ કોની પાસે છે. સંસ્કાર ઘરમાંથી મળે છે, પરંતુ જીવનમાં એને ઉતારવા પડે છે. માતા-પિતા બાળકોને, શિક્ષક વિદ્યાર્થીને, ગુરુ શિષ્યને વિવિધ રીતે સંસ્કાર આપવાના પ્રયાસ કરે છે.
ફક્ત કમાવું નહીં, પણ કેવી રીતે વર્તવું તેવું પણ શીખવે છે. જ્યાં માતા-પિતા, શિક્ષક અને ગુરુની આજ્ઞાનું પાલન થાય ત્યાં સંસ્કાર વિકસે છે. “નમસ્કાર”, “માફ કરશો”, “આભાર” જેવા નાના શબ્દો પણ વ્યક્તિને સંસ્કાર સભર, માયાળુ અને મોટો બનાવે છે. જ્યા સંસ્કારના દર્શન થાય છે તેવા અનેક દૃષ્ટાંત આપણી નજર સમક્ષ દેખાતા હોય છે. કોઈ કાર્યમાં સફળતા મળે ત્યારે કોઈ વ્યક્તિ તરત ગર્વમાં આવી જાય છે, જ્યારે સંસ્કારી વ્યક્તિ કહે છે કે “આ બધું સૌના સહકારથી શક્ય બન્યું.” ફરક માત્ર શબ્દોમાં નથી, ફરક સંસ્કારમાં છે. સમાજને મોટા મકાનોવાળા કરતાં મોટા મનવાળા લોકોની જરૂર છે. કારણ કે સંસ્કારથી સમૃદ્ધ વ્યક્તિ જ્યાં જાય ત્યાં વાતાવરણ સુધરે છે, સંબંધો મજબૂત બને છે અને વિશ્વાસ જન્મે છે. સંસ્કારની શ્રીમંતાઈ સંકટના સમયે વધુ સ્પષ્ટ થાય છે. મુશ્કેલીમાં ધીરજ રાખવી, ગુસ્સામાં પણ શબ્દોની મર્યાદા જાળવવી અને વિરોધમાં પણ સન્માન ન છોડવું, આ બધું સંસ્કાર વગર શક્ય નથી. ખાસ તો ઘર, કુટુંબ, પરિવાર, સમાજ વગેરે સંસ્થાઓમાં નાની મોટી બાબતોને લઈને ગેરસમજણ ઊભી થાય અથવા કોઈ મુશ્કેલી કે સંકટની ઘડી આવે ત્યારે સંસ્કારી વ્યક્તિની સાચી ઓળખ થતી હોય છે. ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું, શું બોલવું અને ક્યારે ચૂપ રહેવું વગેરે બાબતોમાં વિવેકબુદ્ધિ એ જ સંસ્કારની પારાશીશી છે. ક્રોધ કે ગુસ્સા પરનો કાબૂ, સહન કરીને સંબંધો જાળવી રાખવા વગેરે સંસ્કારનું સાચું દર્પણ છે.
કોઈના વાળ્યા વળવું અને વડીલો આગળ નમવું એમાં સંસ્કારના દર્શન થાય છે. ઘણીવાર સામેની વ્યક્તિને સાચી વાત સમજાવવા યોગ્ય રીતે વિવેકબુદ્ધિથી અને નમ્રતાથી રજૂઆત કરવી એ પણ સંસ્કારનો એક ભાગ છે. અંતે એટલું જ કહેવાનું કે સાચી શ્રીમંતાઈ દેખાડવામાં નથી, જીવવામાં છે. જેનાં જીવનમાં સંસ્કાર છે, તે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શ્રીમંત જ રહે છે. સાચી શ્રીમંતાઈ બેન્ક બેલેન્સમાં નહીં, પરંતુ વ્યવહારમાં દેખાતી સંસ્કૃતિમાં છે.

સંસ્કાર દર્શાવતી કેટલીક પંક્તિઓઃ
પૈસા હોય તો માણસ મોટો લાગે,
સંસ્કાર હોય તો માણસ માન પામે.
ઊંચાઈ હોદ્દાથી નથી મળતી,
નમ્રતાથી ઓળખ ઊભી થાય છે.
બોલવામાં મીઠાશ, વર્તનમાં સત્ય,
એ જ સંસ્કારની સાચી ઓળખ.
સંપત્તિ તાળામાં બંધાય,
સંસ્કાર તો હૃદયમાં ઝળહળે.