“તો પછી હજાર હાથવાળા – ઉપરવાળા પર બધું છોડી દેવાનું રહ્યું. કારણ કે તારી આવી બધી વાતો કરવામાં હું તને પહોંચું તેમ નથી. હવે ચાલ, પથારીમાંથી બેઠો થા, અને બરાબર ભાર દઇને ચડાવી રાખેલું તારૂં મોઢું ધોઇ નાખ. હું બહાર ઓસરીમાં જઇ બાને ચા બનાવવાનું કહું છું…” આટલું કહી રણમલ તો રૂમમાંથી બહાર નીકળી ગયો.
ઓસરીમાં આવતા રણમલે જાયું તો બા અને નંદુમાં હિંડોળા પર બેઠાં બેઠાં વાતો કરી રહ્યાં હતાં, ત્યાં તો રણમલે હિંડોળા પાસે આવીને કહ્યું: “ બા.., તમે સરસ મજાની ચા બનાવો, મારે તો પીવી જ છે ને દામો પણ પીશે. મને તો કયારેની ચા પીવાની તલબ થઇ છે. અને હા, દામાનો તાવ તો ગયો જ સમજા બા…, એને પણ ચા તો પીવી જ પડશે. પછી જ હું મારા ઘરે જઇશ….”
બા હિંડોળા પરથી ઊભાં થયાં એટલે નંદુમા પણ ઊભાં થતાં બોલ્યાં: “સમજુ, કંઇ જરૂર પડે તો અડધી રાતે મારી ઝાપલી ખોલી આવતી રહેજે. હું પણ હવે મારા ઘરે જાઉં…”
નંદુમા ચાલ્યાં ગયાં. રણમલ હવે હિંડોળા પર બેઠો. બા ચા બનાવવા રસોડામાં ગયાં. ત્યાં તો દામો મોઢું ધોઇ રૂમમાંથી બહાર નીકળી રણમલની બાજુમાં હિંડોળા પર બેસી ગયો.
થોડીવારમાં તો ચા ના બે કપ પકડી બા આવ્યાં. હિંડોળા પર બેઠા બેઠા રણમલ અને દામો ગરમ ગરમ ચા પીવા લાગ્યા. ચાની એક ચૂસકી ભરી રણમલે બા સામે જાઇ કહ્યું: “બા…, મારે તમને અત્યારે એક સરસ મજાની વાત કરવી છે..”
“ના..રે, જે વાત કરવી હોય તે તું મને વિના સંકોચે કરી દે, તું પણ મારો દીકો છે..” “ તમારાં હાથ – પગ કયાં સુધી ચાલશે, બા…?”
“એ તો ઉપરવાળો જાણે, બેટા…”
“એટલે હું કહું છું કે આ દામાનું હવે કંઇક વિચારો. તમારો દીકરો ભણેલ – ગણેલ અને વળી સરકારી નોકરી પણ કરે છે. તેને લાયક એકેય કન્યા તમને ન મળે ? ”
“મળે, ચપટી વગાડતા કન્યા મળે. દામો હા કહે એટલે તરત વાત ચલાવું. જાને બે દિવસ પહેલાં જ હું ગામતરે ગઇ હતી ત્યાં એક સરસ મજાની છોકરીને મેં જાઇ. તેનું નામ શાંતુ છે, એટલે કે શાંતા ! એ ખૂબ જ રૂપાળી, નમણી અને સુંદર પણ છે. વળી છોકરી પણ કેવી ? દામાની જેમ એ પણ શિક્ષિકા છે. ભણેલી – ગણેલી છે. સંસ્કાર પણ સારા દેખાયા. જા એની વાત ચલાવું તો હમણાં જ બધું નક્કી થઇ જાય. પરંતુ પહેલાં તો આ દામો હા પાડે તો જ વાત આગળ ચલાવાય…”
“દામો બોલે તો પણ ઠીક અને ન બોલે તો પણ ઠીક, પરંતુ દામા તરફથી હવે હું તમને કહું છું કે, દામાની હા છે બા ! તમે તેના સગપણની વાત આગળ વધારો. મેં મારા મિત્રને બધું જ પૂછી લીધું છે. તે હવે ના નહીં પાડે, અને તમારી ઉંમરનું પણ તેને જ તો જાવાનું છે ને ?”
ને…. પછી, વાત આગળ ચાલી… જ્યોતિએ કમળાપુર છોડયું તેના પછી ફક્ત એક જ મહિનામાં દામલનાં લગ્ન શાંતુ જાડે નક્કી થયાં ને રંગેચંગે ધામધૂમથી વિવાહ પણ થઇ ગયાં.
સંસારનો નિયમ જ પરિવર્તનને આભારી છે. બધે જ પરિવર્તન થયા કરે છે. એ જ રીતે સમય તો સમયનું કામ કરે જ છે.
દામાનાં લગ્ન શાંતુ નામની સુંદર છોકરી સાથે થયાં. શાંતુ શિક્ષિકા હતી એટલે પતિ અને પત્નીના કેસમાં નિયમ મુજબ શાંતુની બદલી કમળાપુર પ્રાથમિક શાળામાં થઇ. હવે દામજી અને શાંતુ નિરાંતે નોકરી કરવા માંડયા. આમને આમ દોઢેક વર્ષ વીતી ગયું.
એ દોઢ વર્ષમાં તો ઘણું ઘણું બની ગયું. લગ્ન પછી દામજીના માથાનાં વાંકડિયા એવા સુંદર વાળ લગભગ બધા જ સફેદ સફેદ થઇ ગયા. તેનો ચહેરો પણ સાવ અલગ થઇ ગયો હતો. તેની આંખો પણ ઊંડી ઊતરી ગઇ હતી. કંઇક… અગમ્ય કારણસર હવે તેણે આ કમળાપુર સદાને માટે છોડી દેવું તેવો દ્રઢ નિર્ણય મનોમન કરી જ લીધો.
એકાએક આવો નિર્ણય કરવાનું કારણ ફક્ત એ હતું કે, કોઇને કહી ન શકાય. કોઇને વર્ણવી ન શકાય તેવા જીવનના અને પોતાના યૌવનના ભોગવેલા અંતરંગ બનાવો દામજીના મગજમાં રોજ રોજ વારે વારે ઉપસી આવતા હતા. ભૂતકાળમાં દામજીને પોતાની અત્યંત પ્યારી એવી હસીના… પોતાને દામલના નામથી બોલાવતી તો હવે હાલમાં તેની પત્ની શાંતુ પણ દામાને દામલ કહીને જ બોલાવતી હતી. પરંતુ આ બન્ને સંબોધનમાં ખૂબ ખૂબ અંતર તો હતું જ હતું.
(ક્રમશઃ)