કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ ૨૦૨૫ રજૂ કર્યું, જે ભારતીય રમતોમાં પારદર્શિતા, જવાબદારી અને સારા શાસન તરફ એક મોટું પગલું છે. આ બિલ હેઠળ, એક નેશનલ સ્પોર્ટ્‌સ બોર્ડ બનાવવામાં આવશે, જેની પાસે નિયમો બનાવવા અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સહિત રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન પર દેખરેખ રાખવાની વ્યાપક સત્તા હશે
આ બિલ રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન માટે કડક જવાબદારી પ્રણાલી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવવા માટે તમામ માન્ય રમતગમત ફેડરેશનોને દ્ગજીમ્ પાસેથી માન્યતા મેળવવી પડશે. એનએસબીમાં એક ચેરમેન અને સભ્યો હશે, જેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ લોકો જાહેર વહીવટ, રમતગમત શાસન, રમતગમત કાયદા અને સંબંધિત ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અથવા અનુભવ ધરાવતા હશે. તેમની નિમણૂક એક સમિતિની ભલામણ પર થશે, જેમાં કેબિનેટ સચિવ અથવા રમતગમત સચિવ, ભારતીય રમતગમત સત્તામંડળના મહાનિર્દેશક, બે રમતગમત પ્રશાસકો અને દ્રોણાચાર્ય, ખેલ રત્ન અથવા અર્જુન પુરસ્કાર વિજેતાનો સમાવેશ થશે.
આ બિલમાં રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલની સ્થાપનાની પણ જાગવાઈ છે, જેમાં સિવિલ કોર્ટની સત્તાઓ હશે. આ ટ્રિબ્યુનલ રમતગમત ફેડરેશન અને ખેલાડીઓ સાથે સંબંધિત વિવાદો, પસંદગીથી લઈને ચૂંટણી સુધી, ઉકેલશે. ટ્રિબ્યુનલના નિર્ણયને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ પડકારી શકાય છે. આ પગલું રમતગમતમાં લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈઓને ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે આ બિલ બીસીસીઆઇને પણ તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવશે, જે અત્યાર સુધી સરકારી ભંડોળ ન મળવાનો હવાલો આપીને સ્વાયત્તતાનો દાવો કરી રહ્યું છે. ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી, બીસીસીઆઇએ પણ આ બિલના નિયમોનું પાલન કરવું પડશે. આ સાથે, બધી માન્યતા પ્રાપ્ત રમત સંસ્થાઓ માહિતી અધિકાર કાયદાના દાયરામાં આવશે, જેનો બીસીસીઆઇ હંમેશા વિરોધ કરે છે.
રાષ્ટ્રીય રમત સંહિતામાં અગાઉ વહીવટકર્તાઓ માટે મહત્તમ વય મર્યાદા ૭૦ વર્ષની હતી, પરંતુ નવા બિલમાં ૭૦ થી ૭૫ વર્ષની વયના લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે, જા સંબંધિત આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના નિયમો તેને મંજૂરી આપે. આનાથી બીસીસીઆઇ પ્રમુખ રોજર બિન્ની, જેઓ તાજેતરમાં ૭૦ વર્ષના થયા છે, તેમને તેમનો કાર્યકાળ ચાલુ રાખવાની તક મળી શકે છે. બિલના ઉદ્દેશ્યોમાં જણાવાયું છે કે, “૨૦૩૬ સમર ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીના ભાગ રૂપે, મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સારા પરિણામો, રમતગમતની શ્રેષ્ઠતા અને સારું પ્રદર્શન પ્રાપ્ત કરવા માટે રમતગમત શાસનમાં સકારાત્મક ફેરફારો લાવવા મહત્વપૂર્ણ છે.