મુસ્લીમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે કારણ કે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લીમ પક્ષની સિવિલ રિવિઝન અરજી ફગાવી દીધી છે. આજે હાઈકોર્ટના આ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સર્વે કેસ સંભલની જિલ્લા કોર્ટમાં આગળ વધશે. જસ્ટીસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે મુસ્લીમ પક્ષની દલીલોને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો છે.૧૩ મેના રોજ, મસ્જીદ સમિતિની સિવિલ રિવિઝન અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ, હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સંભલના જામા મસ્જીદ અને હરિહર મંદિર વચ્ચેના વિવાદ પર મસ્જીદ સમિતિ દ્વારા સિવિલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. મસ્જીદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસની જાળવણીને પડકાર્યો હતો.
જણાવી દઈએ કે સંભલના અહેમદ માર્ગ કોટ સ્થીત શાહી જામા મસ્જીદ કમિટીએ ૧૯ નવેમ્બર ૨૦૨૪ ના રોજ સિવિલ કોર્ટના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સંભલ જામા મસ્જીદ કેસમાં, ૧૯ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ, સંભલ સિવિલ કોર્ટે જામા મસ્જીદના સર્વેનો આદેશ આપ્યો હતો. મસ્જીદ સમિતિની અરજી પર પહેલી સુનાવણી ૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ હતી, ત્યારબાદ હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો અને સિવિલ કોર્ટના સર્વેના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
અત્યાર સુધીમાં આ કેસમાં લગભગ ૧૫ સુનાવણી થઈ ચૂકી છે, ત્યારબાદ ૧૩ મેના રોજ, તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થયા બાદ, અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને હવે સોમવાર, ૧૯ મેના રોજ, કોર્ટે સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. ૧૨ માર્ચના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે, રમઝાન મહિનામાં દિવાલોને રંગવા માટે માજિદ સમિતિની અરજીને આંશિક રીતે સ્વીકારીને,એએસઆઇને મસ્જીદની બહારની દિવાલોને રંગવાનો નિર્દેશ આપ્યો હતો.