લગ્નના ૧૨ વર્ષ બાદ પણ સંતાન ન થતા પરિણીતાને તેના જ સાસરી પક્ષના સભ્યો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી, મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસમાં દિયર, બે નણંદ અને નણંદના દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે હાલ અમરેલીમાં રહેતા હેતલબેન માવજીભાઇ ઓળકીયા (ઉ.વ.૪૧)એ ગોંડલામાં રહેતા પતિ રાજુભાઇ સવજીભાઇ ઓળકીયા, નણંદ હંસાબેન રમેશભાઇ મકવાણા, નણંદ હંસાબેનનો દિકરો ઉમેશભાઇ રમેશભાઇ મકવાણા તથા વેરાવળમાં રહેતા નણંદ રશીલાબેન મનસુખભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મહિલાના લગ્નજીવનના લાંબા સમય બાદ પણ સંતાન ન હોવાથી તેના સાસરિયાઓ દ્વારા તેને અવારનવાર નિશાન બનાવવામાં આવતી હતી. તાજેતરના સમયગાળા દરમિયાન આ ત્રાસ અસહ્ય બન્યો હતો. આરોપીઓ દ્વારા પરિણીતાનો કોઈ વાંક ન હોવા છતાં તેને ‘વાંજણી’ કહીને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.ઉપરાંત ગાળો આપી, ઢીકાપાટુનો મૂંઢમાર મારીને શારીરિક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તમામ આરોપીઓએ એકસંપ થઈને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પરિણીતાએ હિંમત દાખવીને સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર અને મારપીટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.








































