મહાન દાર્શનિક અને તત્વચિંતક એરીસ્ટોટલે કહ્યું છે કે ‘માનવીને વિચાર આવવો જાઇએ, વિચાર એ શક્તિનો પહાડ છે. વિચારનું જયારે પરિણામમાં રૂપાંતર થાય ત્યારે સિધ્ધિ ના પહાડો ઊભા કરી દે છે.’ આવો જ ચાર દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવન- દિલ્હી દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
કર્ણાટકના અંતરિયાળ ગામ નવપડપ્પુના વતની એવા હરકેલા હજાબાની આ સર્વોચ્ચ નાગરિક સન્માન સમારોહમાં વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરનાર વ્યક્તિ તરીકે નોંધ લેવાઇ રહી છે. સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય. આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તેમના આખા જીવનની પ્રખર સાધનાનું સિધ્ધફળ હતું. કર્ણાટકના મેંગલૂરમાં શહેરની સડક પર એક વિદેશી પર્યટકે સંતરાના ભાવ પૂછ્યા. તે પોતે નિરક્ષર હોવાથી તે સમજી શક્યા નહિ ને તે વિદેશી ગ્રાહક જતો રહ્યો. તે સમયે પોતાને નિરક્ષર હોવાનું ખૂબ દુઃખ થયું અને તે જ ઘડીએ તેમણે પોતાના ગામમાં શાળા શરૂ કરવાનો દ્રઢ નિર્ણય કર્યો. દરરોજ સંતરા વેચતા ૧પ૦-ર૦૦ જેટલી આવક થતી હતી. વર્ષ ર૦૦૦માં ૧ એકર જમીનમાં શાળા સંકુલ આકાર પામ્યું જેણે હરકેલા હજાબાને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીના બિરૂદ સુધીની સફર કરાવી.
ડો.બાબા સાહેબના શબ્દોમાં કહીએ તો ‘એક શાળા શરૂ થાય ત્યારે એક જેલ બંધ થાય છે.’ એક અભણ નાગરિકને શાળા શરૂ કરવાનો વિચાર એજ ભારરત્નથી મોટો સન્માનિત એવોર્ડ ગણી શકાય. આજે શિક્ષણનો વેપાર થાય છે. આવા ભ્રષ્ટ કાવાદાવા કરીને લખલૂટ લક્ષ્મી માટે વિદ્યાર્થીનું – વાલીનું આર્થિક શોષણ કરનાર વ્યક્તિઓએ આ પ્રસંગે પ્રેરણા લઇને થોડું સમાજ નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા રાખી શકીએ ?
પદ્મશ્રી હરકેલા કે તુલસી ગોડામાંથી પ્રેરણા લઇ ખાઇ બદેલાઓ પોતાનું સામાજિક દાયિત્વ અદા કરવાની તત્પરતા કેળવે તો દેશમાં સાચુ શિક્ષણ રાજ્ય આવે. એક સંતરા વેચનારા વ્યક્તિને તેમણે દાખવેલી સામાજિક સૌજન્યશીલ અને પ્રમાણિત સખાવત માટે પદ્મશ્રીથી પુરસ્કૃત કરવાની આ ક્ષણ મીડિયા અને આંતરાષ્ટ્રીય લેવલે પ્રવાહીત થઇ ગઇ.
ગરીબોની દરિયાદિલી અને ખેરાત કરવાની ભાવના ધનિક વર્ગ કરતાં ઉંચી હોય છે. ગામડાના લોકોની મહેમાનગતિ કરવા જાવ તો જાવા મળશે કે પૈસા ન હોય તો કરજ કરીને અથવા વાસણ ગીરો મૂકીને પણ પ્રેમથી જમાડે છે. જયારે પૈસાના મદમાં રાચતા યાંત્રિક રોબોટના ઘરે પ્રેમ – કે આવકાર કયારેય હોતો નથી. આતો કરોડોપતિ ભિખારીઓ છે. લક્ષ્મીના અમીચંદો કયારેય દાન કરે નહિ, જે કરે છે તે સમાજમાં પૂજનીય હોય છે. બાપદાદાની મિલકત માટે ભાઇઓને રડાવે અને કોર્ટ કેસ કરે તેની પાસે શું અપેક્ષા રખાય. જતું કરવાની અને બીજાના માટે ઘસાઇ જવાની ભાવના સ્થાપિત ના થાય ત્યાં સુધી બધુ નિરર્થક છે.
આવા હરકેલા કે પર્યાવરણવિદ્‌ તુલસી ગૌડામાંથી પ્રેરણા લઇ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરીએ. આ દેશમાં ભલે ગરીબી હોય પણ માનવતા મરી નથી. હજુ ખમીર વિશ્વને ઝૂકાવે તેવું છે. આ દેશ સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો છે.
પસંદગી સમિતિ અને મેંગલુર કલેકટરશ્રીને ધન્યવાદ કે જેણે સાચી અને સમાજ નિર્માણનું કાર્ય કરતી આવી અનેક પ્રતિભાઓ પારસમણિની જેમ અવિરત કાર્ય કરતી હોય છે તેમને સમાજ સન્મુખ લાવવાનું કાર્ય કર્યું. આવું કાર્ય કરનાર વ્યક્તિ કે સરકારી અધિકારીઓ પણ યશના સહભાગી છે.
ગુજરાતના ડો. મફતભાઇ પટેલ અચલા એજયુકેશન ટ્રસ્ટ – અમદાવાદમાં કેળવણી સાહિત્ય સમાજ સેવા માટે ૮પ વર્ષથી સેવાનો ભેખ ધારણ કર્યો છે. ગુજરાત સરકાર તેમના નામનો પ્રસ્તાવ મૂકે તેવી અમારી લાગણી અને માગણી છે. આદરણીય વડાપ્રધાન તેમજ કેબિનેટ કક્ષાના મોટાભાગના પ્રધાનો તેમને જાણે છે. વર્ષ – ર૦રરમાં ડો. મફતદાદાને તેમણે કરેલી સમાજ સેવાને ધ્યાને રાખી આવો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર પ્રાપ્ત થાય તે જાવા લેખકશ્રીની આંખો તલપાપડ છે.
જયહિંદ