‘જગ વસંત’ નામનું વિશાળ એલપીજી કાર્ગો જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદરે પહોંચી ગયું છે. આ ઘટનાને ભારત માટે ઊર્જા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર ઊભા થયેલા જાખમો વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઈંધણ સપ્લાયને અસર પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ વચ્ચે ‘જગ વસંત’ નામનું વિશાળ એલપીજી કાર્ગો જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદરે પહોંચી ગયું છે. આ ઘટનાને ભારત માટે ઊર્જા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
‘જગ વસંત’ જહાજ લગભગ ૪૨,૦૦૦ થી ૪૬,૦૦૦ મેટ્રિક ટન લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને ભારત તરફ આગળ વધ્યું હતું. હોર્મુઝની ખાડીમાં વધેલા સૈન્ય તણાવ અને સંભવિત હુમલાના જાખમ વચ્ચે આ જહાજનું સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચવું એ માત્ર ટેકનિકલ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મોટી સિદ્ધિ ગણાય છે.
જહાજ કંડલા બંદરે લંગરતાં જ ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરિયામાં જ નાના વહાણોમાં એલપીજી ટ્રાન્સફર કરવાની કામગીરી ઝડપથી શરૂ થશે, જેથી ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્‌સ સુધી વહેલી તકે પહોંચાડી શકાય.
મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે ભારત સતત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ મજબૂત કરી રહ્યું છે. ‘જગ વસંત’ પહેલા પણ કેટલાક જહાજા સફળતાપૂર્વક દેશમાં પહોંચ્યા છે, જે દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત પોતાની સપ્લાય ચેઇનને સ્થિર રાખવામાં સક્ષમ છે.
છેલ્લા થોડા સમયથી એલપીજી તેમજ પેટ્રોલ-ડીઝલની અછત અંગે લોકોમાં ચિંતા અને અફવાઓ ફેલાઈ રહી હતી. આવી સ્થિતિમાં આટલો મોટો જથ્થો દેશમાં પહોંચતા બજારમાં સ્થિરતા આવશે અને લોકોમાં વિશ્વાસ વધશે. સરકાર દ્વારા પણ વારંવાર ખાતરી આપવામાં આવી રહી છે કે દેશમાં પૂરતો ઈંધણ સ્ટોક ઉપલબ્ધ છે.