સંકટ મોચન યોજના હેઠળ અકસ્માતે મૃત્યુ પામનાર વ્યક્તિના વિધવાને રૂ. ર૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં ન આવતા અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઇ ત્રિવેદી દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સંકટ મોચન યોજના સંકટ આપનારી બની છે. આ યોજના હેઠળ ઘણા લાંબા સમયથી અકસ્માતે મૃત્યુ પામનારની વિધવા પત્નીને સહાય અપાતી નથી. ક્યારે સહાય મળશે તે પૂછવા માટે વિધવા બહેનોના પગ ઘસાઇ જાય છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં (૧) જિલ્લામાં આવી કેટલી વિધવા બહેનોની સહાય અટવાયેલ છે? તથા (ર) આપના તરફથી ક્યારે સહાય ચૂકવવા માંગો છો? તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તાકીદે સહાય ચૂકવવા માંગ કરી હતી.