શ્રીલંકાના ઉવા પ્રાંતના બદુલ્લા જિલ્લામાં એક દુઃખદ બસ અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૫ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુરુવારે રાત્રે એક ખાનગી બસ લગભગ ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં આ અકસ્માત થયો હતો.શ્રીલંકન પોલીસે શુક્રવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે બસમાં સવાર તમામ મુસાફરો દક્ષિણ શ્રીલંકાના ટાંગાલે શહેરથી પ્રવાસન યાત્રા માટે રવાના થયા હતા. મુસાફરી દરમિયાન, જ્યારે બસ એલા શહેર નજીક પહોંચી, ત્યારે સ્થાનિક સમય મુજબ રાત્રે ૯ વાગ્યે એક તીવ્ર વળાંક પર સામેથી આવતી જીપ સાથે અથડાઈ. ટક્કર બાદ, બસે સંતુલન ગુમાવ્યું અને રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં પડી ગઈ. અકસ્માત પછી તરત જ, સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને સ્થાનિક રહેવાસીઓએ સંયુક્ત રીતે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ન્યૂઝફર્સ્ટ વેબ પોર્ટલના અહેવાલ મુજબ, આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી અને મુસાફરોને ખીણમાંથી બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે અને તે બધી ટાંગાલે અર્બન કાઉન્સિલના કર્મચારીઓ હોવાનું કહેવાય છે. તે બધા શૈક્ષણિક પ્રવાસ પર ગયા હતા, પરંતુ આ પ્રવાસ એક ભયંકર દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. અદાડેરેના ન્યૂઝ પોર્ટલ અનુસાર, બધા ઘાયલોને બદુલ્લા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. ડોક્ટરોની એક ખાસ ટીમ સતત ઘાયલોનું નિરીક્ષણ કરી રહી છે.









































