ભારત તહેવારોનો દેશ છે, અને આ પરંપરાને જાળવી રાખતા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. બાલમંદિરથી ધોરણ ૮ના ૨૦૦૦થી વધુ બાળકોએ કૃષ્ણ, રાધા અને યશોદા-કૃષ્ણના વેશ ધારણ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આખું કેમ્પસ ‘જય કનૈયા લાલ કી’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. બાળકોએ ઉત્સાહભેર મટકી ફોડ અને રાસ-ગરબા રજૂ કર્યા, જેમાં જાણે ભગવાન શ્રીકૃષ્ણ પોતે રાસલીલા કરી રહ્યા હોય તેવો મનોહર નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે, ‘બેસ્ટ કાના’, ‘બેસ્ટ રાધા’ અને ‘બેસ્ટ યશોદાજી-કૃષ્ણ’ની જોડીને નિર્ણાયકો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ભેટ-પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને વર્ષના અંતે ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા ખોડલધામ સમિતિના પ્રમુખ રમેશભાઈ કાથરોટિયા, મહિલા સમિતિના પ્રમુખ સરલાબેન ગજેરા તેમજ સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુવાગીયા, રાજુભાઈ ફીણવિયા, રાજુભાઈ સતાસીયા, ભાવિનભાઈ પટોળીયા, મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના અધ્યક્ષ વસંતભાઈ ગજેરાએ આયોજનની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થતું રહે છે