શ્રીજી વિદ્યાર્થી ભુવન, શ્રી સરસ્વતી વિદ્યાલય, અમરેલી ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વ્હાલા ગુરૂજનોનું કંકુ-ચોખાથી ચાંદલો કરી, નમસ્કાર કરી પૂજન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા દ્વારા ગુરુ-શિષ્યના પ્રેમપૂર્ણ સંબંધોને યાદ કર્યા હતા. આ દિવસ વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે, જે વ્યાસજીએ વેદોનો વિસ્તાર કરી અને સરસ્વતીનું પૂજન કરી ખરા અર્થમાં વિચાર પૂજનનો મહિમા સમજાવ્યો તેનું પ્રતીક છે. આ સુંદર કાર્યક્રમ દ્વારા ગુરુપૂજન કરવા બદલ સંસ્થાના સંચાલક દિપકભાઈ વઘાસીયા તેમજ વિલાસબેન વઘાસીયાએ સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.