વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજાર ઊંચકાઈને બંધ થયું.બીએસઇ સેન્સેક્સ ૭૯.૨૭ પોઈન્ટ વધીને ૮૦,૬૨૩.૨૬ પર બંધ થયો અને નિફ્ટી ૨૧.૯૫ પોઈન્ટ વધીને ૨૪,૫૯૬.૧૫ પર બંધ થયો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૫૦ તેના ઇન્ટ્રાડે નીચા સ્તર ૨૪,૩૪૪.૧૫ થી એક ટકાથી વધુ વધ્યો. આજના વેપારના અંતે, બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૩૦ ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૧૮ ટકા ઘટ્યો. બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફની લિસ્ટેડ બજાર કમાણી પર સીધી અસર નહીં પડે. જાકે, તેની અમેરિકામાં નિકાસ પર ઊંડી અસર પડશે.
ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ કંપનીઓમાં ટેક મહિન્દ્રા,એચસીએલ ટેક, એટરનલ, એક્સિસ બેંક, મારુતિ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક અને એશિયન પેઇન્ટ્સના શેરમાં વધારો નોંધાયો.જો કે, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને એનટીપીસીના શેરમાં ઘટાડો થયો.
સમાચાર અનુસાર, નિષ્ણાતો કહે છે કે એકંદર ભારતીય અર્થતંત્ર પર ટેરિફની અસર હજુ પણ નિયંત્રણમાં છે, અને સરકાર એવા ક્ષેત્રો માટે રાહત પગલાં લેવાનું વિચારી શકે છે જે યુએસ બજારો પર વધુ નિર્ભર છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના સંશોધન વડા વિનોદ નાયર કહે છે કે ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે સંભવિત શાંતિ મંત્રણાના અહેવાલોને કારણે વ્યાપાર ભાવનામાં સુધારો થયો છે. આનાથી રોકાણકારોને આશા છે કે વેપાર પ્રત્યે યુએસનું વલણ થોડું નરમ પડી શકે છે.
સમાચાર અનુસાર, ગુરુવારે રૂપિયો યુએસ ડોલર સામે મર્યાદિત રેન્જમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું અને અંતે ૮૭.૬૯ (કામચલાઉ) પર ૩ પૈસાના નજીવા વધારા સાથે બંધ થયો. આ વધારો એવા સમયે જાવા મળ્યો જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર વધારાની ૨૫ ટકા ડ્યુટીની જાહેરાત કરી, જેનાથી કુલ ડ્યુટી ૫૦ ટકા થઈ ગઈ. આ પગલાની બજાર ભાવના પર નકારાત્મક અસર પડી.