સોમવારે ઘરેલુ શેરબજારમાં હલચલ જોવા મળી. એક જ ઝટકામાં અને એક જ સત્રમાં રોકાણકારોએ ૧૬ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ કારોબારના અંતે ૨,૨૨૬.૭૯ પોઈન્ટના મોટા ઘટાડા સાથે ૭૩,૧૩૬૭.૯૦ ના સ્તરે બંધ થયો. એ જ રીતે, નિફ્ટી પણ ૭૪૨.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨,૧૬૧.૬૦ ના સ્તરે બંધ થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારા અને ચીન દ્વારા બદલો લેવાના નિર્ણય બાદ વૈશ્વીક બજારોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે આર્થિક મંદીની આશંકા વધી ગઈ છે. તેની જબરદસ્ત અસર બજાર પર જોવા મળી.
સમાચાર અનુસાર, ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો, જેમાં ૭.૩૩ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો, જેમાં ૫.૭૮ ટકાનો ઘટાડો થયો હતો. ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ, એક્સિસ બેંક,આઇસીઆઇસીઆઇ બેંક,એચસીએલ ટેક્નોલોજીસ અને એચડીએફસી બેંક અન્ય મોટા ઘટાડાનો સામનો કરી રહ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર નજીવા વધારા સાથે બંધ થયો. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે યુએસના ઊંચા ટેરિફ અને અન્ય દેશો દ્વારા બદલો લેવાની આશંકાથી વેપાર યુદ્ધ શરૂ થઈ શકે છે, જેના કારણે બજારમાં ઘટાડો થયો હતો.આઇટી અને મેટલ્સ જેવા ક્ષેત્રોએ વ્યાપક બજારની તુલનામાં નબળો દેખાવ કર્યો છે કારણ કે ઊંચા ફુગાવાના જોખમ સાથે ધીમી વૃદ્ધિ પણ થઈ શકે છે, જે યુએસમાં સંભવિત મંદી તરફ દોરી શકે છે.
એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૧૩ ટકાથી વધુ ઘટ્યો, ટોક્યોનો નિક્કી ૨૨૫ લગભગ ૮ ટકા, શાંઘાઈ એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૭ ટકાથી વધુ ઘટ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫ ટકાથી વધુ ઘટ્યો,અહેવાલ આપ્યો. યુરોપિયન બજારો પણ ભારે વેચવાલી દબાણ હેઠળ રહ્યા અને ૬ ટકા સુધીના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો તીવ્ર ઘટાડા સાથે બંધ થયા. ડોનાલ્ડ ટ્ર્મ્પ તરફથી ટેરિફની જાહેરાત બાદ દુનિયાભરના બજારોમાં ભારે કોહરામ મચ્યો છે. અમેરિકી બજારોમાં સતત ત્રણ દિવસથી જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો અને અમેરિકામાં આવેલા આ કડાકામાં એશિયન બજારોનું પણ ધોવાણ થઈ રહ્યું છે. એટલે કે હવે જે વાતનો ડર હતો એ થઈ રહ્યું છે. એશિયન બજારોમાં તગડા ઘટાડાની અસર સપ્તાહના પહેલા દિવસે સોમવારે ભારતીય બજારો પર જાવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા.
ભારતીય શેરબજારે ઘણી સુવર્ણ ક્ષણો જાઈ છે, પરંતુ તેના ઇતિહાસમાં કેટલાક કાળા દિવસો પણ નોંધાયા છે, જ્યારે સેન્સેક્સમાં ભારે ઘટાડો થયો છે. વૈશ્વીક કટોકટીથી લઈને સ્થાનિક અનિશ્ચિતતા સુધી, આ ઘટનાઓએ રોકાણકારોને આઘાતની સ્થિતિમાં મૂકી દીધા છે. ઘણી વખત પરિસ્થિતિ એવી બની ગઈ છે કે બજારમાં ટ્રેડ્રીઇન્ગ થોડા સમય માટે બંધ કરવું પડ્યું છે.
૪ જૂન ૨૦૨૪ ના રોજ મોટો ઘટાડો થયોઃ ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ શરૂ થયેલ ઘટાડાનો ટ્રેન્ડ વધતો રહ્યો. ૩૦ શેરો ધરાવતા બીએસઈ સેન્સેક્સે તે દિવસે ૧૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધીમાં તે ૬૦૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૦,૩૭૪ ના સ્તરે પહોંચી ગયો હતો.
૨૩ માર્ચ, ૨૦૨૦ – સેન્સેક્સ ૩,૯૩૫ પોઈન્ટ ઘટ્યોઃ કોવિડ-૧૯ મહામારીને કારણે, સેન્સેક્સ ૩,૯૩૫ પોઈન્ટ ઘટ્યો. લોકડાઉનના ડરને કારણે બજાર ક્રેશ થયું અને રોકાણકારોને ભારે નુકસાન થયું.
૧૨ માર્ચ ૨૦૨૦ – સેન્સેક્સ ૨,૯૧૯ પોઈન્ટ ઘટ્યોઃ કોરોનાના વૈશ્વીક ફેલાવા અને યસ બેંક કટોકટીના કારણે સેન્સેક્સ ૨,૯૧૯ પોઈન્ટ નીચે ગયો. ૧૦% નીચું સર્કિટ લાગુ થયું, ટ્રેડિંગ બંધ થયું.
૯ માર્ચ ૨૦૨૦ – સેન્સેક્સ ૧,૯૪૧ પોઈન્ટ ઘટ્યોઃ તેલના ભાવમાં ઘટાડો અને કોવિડ-૧૯ ની ચિંતા વચ્ચે સેન્સેક્સ ૧,૯૪૧ પોઈન્ટ ઘટ્યો. મહામારી પહેલા આ એક મોટો ઘટાડો હતો.
૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ – સેન્સેક્સ ૧,૪૪૮ પોઈન્ટ ઘટ્યોઃ કોવિડ-૧૯ના વધતા કેસોએ બજારને ડરાવી દીધું. સેન્સેક્સ ૧,૪૪૮ પોઈન્ટ ઘટ્યો, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો.
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ – સેન્સેક્સ ૮૦૬ પોઈન્ટ ઘટ્યોઃ કોરોનાની વૈશ્વીક અસરની શરૂઆતમાં, સેન્સેક્સ ૮૦૬ પોઈન્ટ ઘટ્યો. આ રોગચાળાને લગતો પહેલો મોટો ઘટાડો હતો.
૬ ફેબ્રુઆરી ૨૦૨૦ – સેન્સેક્સ ૧,૦૦૦ પોઈન્ટ ઘટ્યોઃ બજેટ પછીની અનિશ્ચિતતા અને વૈશ્વીક સંકેતોને કારણે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ ઘટ્યો. બજારમાં વોલેટિલિટી વધી.
૩ ફેબ્રુઆરી ૨૦૨૦ – સેન્સેક્સ ૨,૧૦૦ પોઈન્ટ ઘટ્યોઃ બજેટમાં નિરાશા અને આર્થિક મંદીના ભય વચ્ચે સેન્સેક્સ લગભગ ૨,૧૦૦ પોઈન્ટ ઘટ્યો. રોકાણકારોમાં ચિંતાનો માહોલ હતો.
૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ – સેન્સેક્સ ૯૮૭ પોઈન્ટ ઘટ્યોઃ આર્થિક મંદી અને વૈશ્વીક અનિશ્ચિતતાને કારણે સેન્સેક્સ ૯૮૭ પોઈન્ટ ઘટ્યો. બજારમાં સતત દબાણ રહ્યું.
૨૪ ઓગસ્ટ ૨૦૧૫ – સેન્સેક્સ ૧,૬૨૪ પોઈન્ટ ઘટ્યોઃ ચીનની મંદી અને રૂપિયાની નબળાઈએ બજારને હચમચાવી નાખ્યું. સેન્સેક્સ ૧,૬૨૪ પોઈન્ટ ઘટ્યો હતો, જે તે સમયે એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય-અમેરિકી બજારોમાં મંદીની સંભાવના વધીને ૬૦ ટકા પર પહોંચી છે. આજે શેર બજાર ક્રેશ થવા પર એક્સપર્ટ શરદ કોહલીએ ઝી મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પે દુનિયાભરના શેર બજારોને હલાવી દીધા છે. સૌથી મોટું જોખમ હવે મંદીનું જાવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલની કિંમત ચાર વર્ષના ન્યૂનતમ સ્તર પર પહોંચી ગઈ છે. જે એ વાતનો સંકેત છે કે દુનિયાભરમાં મંદીની આશંકા પેદા થઈ છે. લોકોની નોકરીઓ જઈ શકે છે. કંપનીઓ અને વેપાર બંધ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થઈ શકે છે. સપ્લાય ચેઈન ગડબડાઈ શકે છે.