અમેરિકાના ટેરિફ પર નરમ વલણ પછી બજારમાં સુધારો ચાલુ છે. મંગળવારે પણ,બીએસઇ સેન્સેક્સ ૧૫૭૭.૬૩ પોઈન્ટના મજબૂત ઉછાળા પછી ૭૬,૭૩૪.૮૯ ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી ૫૦ પણ ૫૦૦ પોઈન્ટના ઉછાળા પછી ૨૩,૩૨૮.૫૫ પર બંધ થયો. બેંક નિફ્ટી પણ ૧૩૭૭.૧૫ પોઈન્ટના જંગી વધારા સાથે ૫૨,૩૭૯.૫૦ ના સ્તરે બંધ થયો. આજના વધારા સાથે, રોકાણકારોએ એક દિવસમાં લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા કમાયા.
આજના કારોબારમાં બીએસઇના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા. બીએસઈના રિયલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક શેરોમાં ૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક સૌથી વધુ વધ્યો હતો. આમાં ૬.૮૪ ટકાનો વધારો થયો હતો. ટાટા મોટર્સના શેરમાં ૪.૫૦ ટકાનો વધારો નોંધાયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો, એકસીસ બેંક, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને એચસીએલ ટેક પણ તેજીમાં હતા. ફક્ત આઇટીસી અને હિન્દુસ્તાન યુનિલિવર પાછળ રહ્યા.
લેમન માર્કેટ્સ ડેસ્કના વિશ્લેષક સતીશ ચંદ્ર અલુરીએ જણાવ્યું હતું કે નવીનતમ ટેરિફ ગોઠવણ દર્શાવે છે કે વ્હાઇટ હાઉસ યુએસ ગ્રાહકો અને વ્યાપક અર્થતંત્ર પરના દબાણને ઓળખે છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૨,૫૧૯.૦૩ કરોડના શેર વેચ્યા હતા. વૈશ્વી તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૨ ટકા ઘટીને ૬૪.૫૪ પ્રતિ બેરલ થયું.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઓટો ઉદ્યોગને અગાઉ લાદવામાં આવેલા ટેરિફમાંથી અસ્થાયી રૂપે મુક્તિ આપી શકે છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને તેમના ટેરિફમાંથી અસ્થાયી રૂપે મુક્તિ આપી રહ્યા છે. ટ્રમ્પે એવું પણ સૂચન કર્યું કે તેઓ ઓટોમોબાઇલ્સ માટે પહેલાથી જ લાગુ ૨૫% ટેરિફ માફ કરી શકે છે, જેના કારણે ઓટો શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો.