શેફાલી જરીવાલા ગુજરી ગઈ. ‘૨૦૦૨’માં આવેલા ‘કાંટા લગા…’ના રિમેકથી રાતોરાત દેશભરમાં જાણીતી થઈ ગયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. શેફાલી જરીવાલાએ માત્ર ૪૨ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.
શેફાલી ગુજરાતી હતી અને જાણીને આશ્ચર્ય થશે કે ઉચ્ચ શિક્ષિત હતી પણ એક્ટ્રેસ બનવા માગતી હતી તેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી. શેફાલી જરીવાલાનો જન્મ ૧૯૮૨માં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા જ્યારે માતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતાં હતાં.
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગની ડીગ્રી મેળવનારી શેફાલી ફિલ્મોમાં કામ કરવા માગતી હતી તેથી ઓડિશન આપ્યા કરતી હતી. ગુજરાતમાં ભણ્યા પછી શેફાલી સપનાં પૂરા કરવા માટે ગુજરાતથી મુંબઈ આવી ગઈ. બહુ જલદી તેને પહેલી તક મળી અને ૨૦૦૨માં તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને તેનું ‘કાંટા લગા…’ ગીત એટલું બધું સુપરહિટ થયું હતું કે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
રસપ્રદ વાત એ છે કે, શેફાલી જરીવાલા જે ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી એ ગીત ડીજે ડોલે ગાયું હતું પણ મોટા ભાગનાં લોકો ડીજે ડોલને ઓળખતાં જ નથી ને ‘કાંટા લગા’ માટે શેફાલીને જ યાદ કરે છે. ‘કાંટા લગા’ ગીત મૂળ ૧૯૭૨માં આવેલી ધર્મેન્દ્ર અને આશા પારેખ અભિનીત સમાધિ ફિલ્મનું છે તેની પણ મોટા ભાગનાં લોકોને ખબર નથી પણ શેફાલીને સૌ ઓળખતા થઈ ગયેલા.
‘કાંટા લગા’ ગીત ડીજે ડોલના આલ્બમ ‘બોમ્બે ૨ બેંગકોક’નો ભાગ હતું. આ ગીત ભારતીય યુવાનોનાં દિલોદિમાગ પર છવાઈ ગયેલું અને માત્ર ૧૯ વર્ષની શેફાલી તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી સ્ટાર બની ગઈ. ‘કાંટા લગા ગર્લ’ તરીકે શેફાલી અમર થઈ ગઈ.
શેફાલીની કારકિર્દી એ પછી બહુ સફળ નથી પણ ‘કાંટા લગા’ની સફળતા એવી જબરદસ્ત હતી કે, ૨૩ વર્ષ પછી પણ લોકો તેને ભૂલ્યા નથી. ‘કાંટા લગા’ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. ૨૦૦૪માં આવેલી સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સની ‘મુજસે શાદી કરોગી’ ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી હતી.
શેફાલીએ કન્નડ ફિલ્મ હુડુગારૂમાં પણ સુપરસ્ટાર પુનિત રાજકુમાર સાથે કામ કર્યું. શેફાલીએ ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. રિયાલિટી શો ‘બિગ બોસ’ની ૧૩મી સિઝનમાં પણ જોવા મળી પણ તેની ઓળખ ‘કાંટા લગા ગર્લ’ તરીકેની જ રહી.
શેફાલીનું મોત રહસ્યમય છે. શેફાલીના મોતનું કારણ કાર્ડિયાક એરેસ્ટ અપાય છે પણ વાસ્તવમાં મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. શેફાલીને ૨૭ જૂન ને ગુરુવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતાં પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. એ પછી તેનું પોસ્ટમોર્ટમ કરાયું પણ કારણ સ્પષ્ટ નથી થયું. ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર રીતે કહ્યું છે કે, મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. શેફાલી જરીવાલાનું પોસ્ટમોર્ટમ રાજ્ય સરકારના ડાક્ટરે કર્યું છે પણ ડાક્ટરોએ પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે.
બીજી તરફ પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, શેફાલી છેલ્લા ૭-૮ વર્ષથી એન્ટિ-એજિંગ એટલે કે સતત યુવાન દેખાવા માટેની દવાઓ લઈ રહી હતી. વર્ષો પહેલા ડાક્ટરની સલાહ પર આપવામાં આવી હતી અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી હતી. ૨૭ જૂને શેફાલીના ઘરે પૂજા રખાઈ હોવાથી શેફાલીએ ઉપવાસ કર્યો હતો છતાં બપોરે એન્ટિ-એજિંગ દવાનું ઇન્જેક્શન લીધું હતું. પોલીસને શંકા છે કે આ દવાઓ તેના અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ દવાના કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોઈ શકે છે.
પોલીસે પરિવારના સભ્યો, ઘરના નોકર અને બેલેવ્યુ હોસ્પિટલના ડાક્ટરો વગેરેનાં નિવેદનો નોંધ્યાં તેમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, રાત્રે ૧૦થી ૧૧ વાગ્યાની વચ્ચે શેફાલીની તબિયત અચાનક બગડી હતી. શેફાલીનું શરીર ધ્રુજવા લાગ્યું અને બેભાન થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ તેને બચાવી ના શકાઈ. ફોરેન્સિક ટીમે શેફાલીના ઘરમાંથી એન્ટિ-એજિંગ દવાઓ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને ગેસ્ટ્રિક સંબંધિત ગોળીઓ સહિતની વિવિધ દવાઓ જપ્ત કરી છે. તેના પરથી સ્પષ્ટ છે કે, શેફાલી દવાઓ પર જીંદગી જીવતી હતી.
શેફાલી અને શ્રીદેવીના મોતમાં સામ્ય છે. થોડાં વરસો પહેલાં હિન્દી ફિલ્મોની લેડી સુપરસ્ટાર તરીકે નવાજાયેલી અભિનેત્રી શ્રીદેવીનું મોત થયું ત્યારે પણ એન્ટિ-એજિંગ દવાઓનો મુદ્દો ચર્ચાયો હતો. શ્રીદેવી જબરદસ્ત ગ્લેમરસ હતી અને શ્રીદેવીની વય ૫૪ વર્ષ હતી છતાં શ્રીદેવી ૪૦ વર્ષની આસપાસની લાગતી હતી. શ્રીદેવી પણ એન્ટિ-એજિંગ દવાઓ લઈને યુવાન દેખાતી હતી ને તેનું કારણ એન્ટિ-એજિંગ દવાઓ હતી એવું કહેવાતું હતું.
પહેલાં આવેલા સમાચાર પ્રમાણે શ્રીદેવીનું મોત કાર્ડિયાક એરેસ્ટના કારણે થયેલું. મતલબ કે શેફાલી જરીવાલાની જેમ શ્રીદેવીનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું તેમાં તેનું પ્રાણપંખેરૂં ઉડી ગયું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીનું મોત અકસ્માતે ડૂબી જવાથી થયું હતું. શ્રીદેવી દુબઈની જુમૈરાહ અમિરાત્સ ટાવર્સ હોટલમાં રોકાયેલી. આ રૂમના બાથરૂમમાં તેનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલ મળ્યો હતો. શ્રીદેવી દારૂ પીને ટલ્લી થઈ ગઈ તેમાં ભાન ના રહ્યું તેથી બાથટબના પાણીમાં ડૂબી ગઈ એવું જાહેર કરાયેલું.
આ વાત કોઈને ગળે ઉતરી નહોતી. શ્રીદેવીની હત્યા કરી દેવાઈ હોવાની વાતો ચગેલી પણ કોઈ પુરાવા નહોતા મળ્યા. શ્રીદેવીના અંડરવર્લ્ડ સાથે કનેક્શનના કારણે આ વાતો ચગેલી પણ શેફાલીના કેસમાં એવું કોઈ કનેક્શન નથી. શેફાલીનું મોત પણ શંકાસ્પદ સંજોગોમાં નથી થયું કે તેનો મૃતદેહ પણ શ્રીદેવીની જેમ મળ્યો નથી તેથી હત્યાનો સવાલ નથી પણ શેફાલીના મોત સાથે એન્ટિ-એજિંગ દવાઓના કનેક્શનની શક્યતા નકારી ના શકાય.
શેફાલીના મોતે ગ્લેમરસ વર્લ્ડની કડવી વાસ્તવિકતાને ફરી છતી કરી દીધી. ગ્લેમરસની દુનિયા બહારથી સારી લાગે છે પણ ખરેખર ગ્લેમર વર્લ્ડમાં ભારે તણાવ છે. ગ્લેમરની દુનિયા ઝાકમઝોળની દુનિયા છે અને આ દુનિયામાં રૂપની, યુવાનીની કિંમત છે. યુવાન લાગો ત્યાં સુધી તમારી કિંમત હોય, એક વાર રૂપ ઢળવા માંડે એટલે ભાવ પણ ગગડવા માંડે તેથી મોટા ભાગની એક્ટ્રેસ યુવાની ટકાવી રાખવા માટે જાત જાતના નુસખા અજમાવતી હોય છે. કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવીને યુવાન દેખાવા મથે છે તો કોઈ જાત ભાતની દવાઓ ખાઈને યુવાન રહેવા મથે છે. તંત્ર-મંત્રના સહારે પણ ઘણાં જાય છે ને બીજા પણ અનેક રસ્તા અપનાવે છે. એ છતાં સમય સમયનું કામ કરે છે અને ઉંમર ઢળે છે તેની અસર વર્તાતી જ હોય છે. ઉંમર વધે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને બીજી પણ શારીરિક સમસ્યાઓ પેદા થતી હોય છે. તેના કારણે યુવાન દેખાવા માટેની દવાઓની આડઅસર થતી હોય છે ને શેફાલીના કિસ્સામાં એવું બન્યું હોઈ શકે છે.
ગ્લેમર વર્લ્ડમાં સતત કામ ના મળે તો પણ તણાવ રહેતો હોય છે. તેના કારણે પેદા થતા સ્ટ્રેસના કારણે અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવે ને વ્યક્તિ ગુજરી જાય એવું પણ બને છે. કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર, બિગબોસ-૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લા, ગાયક કે.કે., કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, ડિરેક્ટર રાજ કૌશલ વગેરે અચાનક હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટથી જ ગુજરી ગયા છે ને શેફાલીના મોતનું કારણ એ પણ હોઈ શકે.
શેફાલીના મોત માટે સાચું કારણ શું તેની ખબર પડશે કે નહીં એ ખબર નથી, ગ્લેમર વર્લ્ડમાં ઘણી હસ્તીઓ આ રીતે રહસ્યમય રીતે ગુજરી ગઈ છે અને સાચું કારણ કોઈને ખબર પડી નથી. શ્રીદેવીની વાત તો કરી જ પણ બીજા પણ કિસ્સા છે. દિવ્યા ભારતી ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં યંગસ્ટર્સની હાર્ટ થ્રોબ હતી ને જુવાનિયા તેના પર ફિદા ફિદા હતા. એ પણ રહસ્યમય રીતે પોતાના ફ્લેટમાંથી પડીને ગુજરી ગઈ હતી.
ખૂબસૂરત હીરોઈન જિયા ખાન, બી.એ. પાસ ફિલ્મમાં કામ કરનારી શિખા જોશી, અમિતાભ બચ્ચનની હીરોઈન તરીકે એક જમાનામાં છવાઈ ગયેલી બોલ્ડ પરવીન બાબી, ટોચની મોડલ વિવેકા બાબાજી, એમટીવીની સ્ટાર વીજે નફીસા જોસેફ, ટીવી ને સિરિયલોની હીરોઈન કુલજીત રંધાવા સહિતની ઘણી ગ્લેમર ગર્લ્સ એવી છે કે જેમના મોતનું રહસ્ય કદી ના ઉકેલાયું. આ પૈકી મોટા ભાગની ગર્લ્સના મોતને આપઘાતમાં ખપાવીને આખી વાતનો વીંટો જ વાળી દેવાયો. નજીકના ભૂતકાળમાં પ્રત્યુષા બેનરજીથી માંડીને તુનિષા શર્મા અને ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી આકાંક્ષા દુબે સહિતની એક્ટ્રેસનાં મોત પણ રહસ્યમય રીતે થયાં છે. આશા રાખીએ કે શેફાલીના મોતનું સાચું કારણ ખબર પડે.
sanjogpurti@gmail.com