શિક્ષણનું મુખ્ય કાર્ય સમાજના નાગરિકોને ઉત્તમ રીતે નિર્માણ કરી રાષ્ટ્રનિર્માણનો પાયો મજબૂત બનાવવો તે છે. સૌરાષ્ટ્રના હૃદય સમા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા શેખપીપરીયા ગામમાં શ્રી શિશુ મંદિર ટ્રસ્ટની સ્થાપના ૧૯૭૫ માં થઈ હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી, તે દ્વારા ગ્રામ્ય બાળકોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવા માટે નિઃશુલ્ક રીતે શિક્ષણ આપવાનો છે. જ્ઞાનરૂપી ગંગા શેખપીપરીયા ગામમાં સ્થાપિત કરીને ગ્રામ્ય બાળકોને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવ્યા. બાળકોને અભ્યાસ થકી આર્થિક રીતે પગભર કરવા શૈક્ષણિક સંસ્થા દ્વારા વિવિધ આયામોને સાકાર કરવા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
વિના સહકાર નહિ ઉદ્ધાર તેવા સેવાકીય પ્રકલ્પોને સિદ્ધ કરવા માટે વતનમાંથી સુરત હીરા ઉદ્યોગમાં સ્થાયી થયેલા લોકોના આર્થિક સહયોગથી તેમજ સ્વ. બાલુભાઈ દેવરાજભાઈ ભાદાણી, અક્ષરનિવાસી વિનુભાઈ ડાહ્યાભાઈ દેવાણી, પૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી તથા અન્ય શહેરમાં વસતા ગામવાસીઓના આર્થિક સહયોગથી હાઈસ્કૂલનું નિર્માણ ૧૯૯૮માં થયું છે અને તેના નિભાવ માટે સમસ્ત ગામ પરિવાર પણ સહયોગ આપી રહ્યું છે. ગામના પ્રબુદ્ધ અને બૌદ્ધિક જાગૃત સમાજના લોકો ગ્રામ્ય કક્ષાના બાળકોમાં શિક્ષણની જ્યોત વ્યાપક બને એવા ઉમદા આશયને ચરિતાર્થ કરવા માટે સતત આર્થિક અને સમયદાન થકી મદદરૂપ થયા છે.
શ્રી શિશુ મંદિર ટ્રસ્ટ, શેખપીપરીયા ગામમાં ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ શૈક્ષણિક સંકુલો કાર્યરત છે. જેમ કે સ્વ. સુશીલાબેન શંભુભાઈ કાછડીયા બાલમંદિર, શ્રીમતી એસ.બી. ભાદાણી પ્રાથમિક શાળા, સ્વ. કે.ડી. ભાદાણી હાઇસ્કૂલ અને આર.ડી. ભાદાણી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આ ટ્રસ્ટથી કાર્યરત છે. આ સંસ્થાઓના નિર્માણમાં ગામના અને ગામ બહાર રહેતા લોકોનો અનન્ય ફાળો છે.
આ સંસ્થાના સુચારુ સંચાલનમાં હાલના પ્રમુખ કલ્યાણભાઈનો હાઈસ્કૂલ નિર્માણમાં અનન્ય ફાળો છે. આજે તેના નિભાવ ખર્ચ માટે તન, મન, ધનથી તેઓ શિક્ષણ સેવા આપી રહ્યા છે. હાલના ટ્રસ્ટી અશોકભાઈ જે. ભાદાણી જે સંસ્થામાં વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો તથા સંકલનની ઉમદા કામગીરી કરી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ આચાર્ય જીતેન્દ્રભાઈ એમ. ત્રિવેદી સાહેબ શાળાનો વહીવટ કુશળતાપૂર્વક કરવા માટે કટિબદ્ધ છે. આજે આ સંસ્થામાં બાલવાટિકાથી માંડીને ધોરણ ૧૨ સુધી અઢીસો જેટલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. બાળકો શિક્ષણ, સંસ્કાર, સભ્યતા અને બુનિયાદી શિક્ષણની કેળવણી પ્રાપ્ત કરી રહ્યા છે. શાળાનું આયોજન અને અમલીકરણ અસરકારક છે. આ સંસ્થા સ્વનિર્ભર છે. રાજ્ય સરકારનું કોઈ અનુદાન પ્રાપ્ત થતું નથી. તેમ છતાં લોકફાળા અને સમાજના દાતાઓના સહયોગથી નિઃશુલ્ક રીતે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટને ટક્કર મારે તેવું આ સેલ્ફ ફાઇનાન્સ શ્રી શિશુમંદિર ટ્રસ્ટ, શૈક્ષણિક અને ભૌતિક સગવડ બાળકોને આપી રહ્યું છે. ઉત્તમ શિક્ષણ અને વિવિધ રચનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સંસ્થા ઉત્તમ રીતે ફૂલીફાલી છે.
ડો. બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહીએ તો એક શાળા શરૂ થાય છે ત્યારે એક જેલ બંધ થાય છે. આવા ઉમદા હેતુને સિદ્ધ કરતું શ્રી શિશુમંદિર ટ્રસ્ટ, કેળવણીની એક મિશાલ છે. આ ટ્રસ્ટ દ્વારા નૂતન કેળવણીના પ્રયોગો કરી બાળકોમાં બુનિયાદી શિક્ષણનો પાયો મજબૂત કરવા સતત પ્રયાસ કરે છે. ગ્રામ્ય બાળકોમાં સ્કીલ અને કૌશલ્ય બંને હોય છે. ત્યારે શિક્ષણ થકી જ નવો માર્ગ કંડારવાનું નૈતિક કાર્ય થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે પુસ્તકાલયમાં બાળકોને નિયમિત વાંચનનો અભિગમ કેળવાયો છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિ નિયમિત થાય તે માટે લેબોરેટરીમાં પ્રયોગો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ નિયમિત પોતાની કૃતિ રજૂ કરે છે. તેમને કારકિર્દી માર્ગદર્શન અને વ્યવસાયિક સમજ આપવામાં આવે છે. જેથી જેની જેવી ક્ષમતા તે આધારે તે ફિલ્ડમાં જઈ શકે. આ ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સંસ્થાના વિદ્યાર્થીઓને દત્તક લઈ એક વિદ્યાર્થી દીઠ ૬,૦૦૦ જેટલી માતબર રકમ સંસ્થા દ્વારા નક્કી કરી છે તે નિયમિત આપે છે. લોકફાળો એ લોકશિક્ષણનો પાયો છે.
ભારતના ભવિષ્યને મજબૂત બનાવવા શ્રી શિશુમંદિર ટ્રસ્ટ, શેખપીપરીયા ગામને ધન્યવાદ છે. વતનનું ઋણ ચૂકવવાનું આ ગામના લોકોએ નક્કી કર્યું છે. કોઠારી કમિશનને કહ્યું છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે ત્યારે તેને અસરકારક શિક્ષણ આપવાની જવાબદારી શિક્ષક મિત્રોની છે. આચાર્યના માર્ગદર્શન તેમજ અશોકભાઈ ભાદાણી જેવા કર્મયોગી અને પરોપકારી ટ્રસ્ટીના નેજા હેઠળ સંસ્થા શૈક્ષણિક વટવૃક્ષ બની રહી છે. આજે જે બાળકો અભ્યાસ કરે છે તે શેખપીપરીયાનું ભવિષ્ય છે. નિઃશુલ્ક વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે. વેદો, ઉપનિષદો અને ધાર્મિક ગ્રંથોમાં સેવા પરમો ધર્મ છે. તેને ચરિતાર્થ કરતી શ્રી શિશુ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ શુભેચ્છાને પાત્ર
આભાર – નિહારીકા રવિયા છે.
મોરારીબાપુએ કહ્યું છે કે શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું ટ્રસ્ટ દ્વારા અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે સોનામાં સુગંધ ભળી છે. ડોંગરેજી મહારાજે કહ્યું છે કે બાળકોમાં ઈશ્વરનો અંશ હોય છે. તેને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ શૈક્ષણિક સંસ્થાઓનું છે અને આ કામ શ્રી શિશુમંદિર ટ્રસ્ટ, શેખપીપરીયા ગામમાં થઈ રહ્યું છે તેનો નિજાનંદ સૌને છે. આ કામ માટે સૌને શુભેચ્છા પાઠવું છું. આવા જ શૈક્ષણિક અને કેળવણીના કાર્યો ઈશ્વરના ચોપડે નોંધાય છે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨